સુરત: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) છેલ્લા થોડા દિવસોથી મન મૂકી વરસી રહેલા મેઘરાજાના (Rain) પગલે સુરતનો (Surat) એક માત્ર કોઝ-વે (Causeway) ઓવર ફ્લો (Over flow) થતા ઘણા દિવસોથી કોઝ-વેને વાહન વ્યવહાર અને લોકોના પ્રવેશ પર પ્રતિબંધિત મુકાયો છે. એટલું જ નહીં જીવના જોખમે કોઝ-વે પર દોડી જતા લોકોને સમજાવવા પોલીસ (Police) પહેરો પણ મુકાયો છે. છતાં નિયમોના લીરે લીરા ઉડતાં હોય તે રીતે લોકો કોઝ-વે પર દેખાઈ રહ્યાં છે. એક પછી એક વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. પોલીસનો બંદોબસ્ત વચ્ચે કોઝ-વે પીક્નીક પોઇન્ટ સમજી એની મજા માણવા કેટલાક લોકો હજી પણ કોઝવે પર જતાં હોવાનું સામે આવ્યું છે.
સુરતના કોઝ-વે નો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. કોઝ-વે ઓવરફ્લો છતાં જીવના જોખમે ચાર લોકો કોઝ-વે પર આરામ માણી રહ્યા હોવાનું વાઈરલ વીડિયોમાં સામે દેખાય રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા પ્રવેશ પર મનાઈ છતાં કોઝ-વે પર લોકોનો પ્રવેશ યથાવત જોવા મળી રહ્યો છે. એક તરફ કોઝ-વે પર પાણીનો ઘસમસતો પ્રવાહ જોવાની લ્હાયમાં લોકો જીવને જોખમમાં મૂકી રહ્યા હોવાનું કહી શકાય છે. બીજી તરફ ચાર લોકો પીકનીક મનાવી રહ્યા હોય તેમ આરામ ફરમાવી રહ્યા હોવાનો પણ વિડીયો વાઇરલ થયો છે.
કોઝ-વે પર આરામ ફરમાવતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા પોલીસ બંદોબસ્ટ ની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. અગાઉ કોઝ-વે પર પોલીસ જવાનોને પણ તૈનાત કરાયા હતા. પરંતુ પરિસ્થિતિ ફરી “જૈસે થે વૈસે “જેવી જોવા મળી રહી છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કોઝ-વે સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન-વ્યવહાર અને લોકોની અવરજવર માટે બંધ કરાયો છે. તેમ છતાં લોકો જીવના જોખમે ફરી રહ્યાં હોવાથી નિયમોના લીરે લીરા ઉડી રહ્યાં છે.
દિવસભર એક લાખ ક્યુસેક પાણીની આવકને પગલે એક જ દિવસમાં ઉકાઈની સપાટી બે ફુટ વધી
સુરત: છેલ્લા ચારેક દિવસથી ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે તાપી નદીના ઉકાઈ ડેમમાં પાણી ભારે માત્રામાં ઠલવાઈ રહ્યું છે. અગાઉ બે લાખ ક્યુસેક પાણીનો આવરો ઉકાઈ ડેમમાં જોવા મળ્યો હતો. ગઈકાલે રાત્રે બાર કલાકે પણ પાણીની આવક 1.97 લાખ હતી. આજે પણ દિવસ દરમિયાન આવરો ઘટવાની સાથે એક લાખ ક્યુસેક્સ સુધી પહોંચ્યો હતો. આ પાણીની આવકને પગલે એક જ દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં બે ફુટનો વધારો જોવા મળ્યો હતો.
ઉકાઈ ડેમમાં ગઈકાલે રાત્રે બાર કલાકે પાણીની આવક 1.97 લાખ ક્યુસેક નોંધાયા બાદ ઘટવા માંડી હતી. સવારે 6 કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટીને 1.45 લાખ ક્યુસેક થઈ હતી. ધીરેધીરે ઘટતા રહીને બપોરે બે કલાકે ઉકાઈ ડેમમાં આવકનું પ્રમાણ એક લાખ ક્યુસેક થઈ ગયું હતું. જ્યારે રાત્રે 8 કલાકે વધુ ઘટાડા સાથે ઉકાઈ ડેમમાં પાણીની આવકનો આંક 92 હજાર ક્યુસેક નોંધાયો હતો.ગઈકાલે રાત્રે બાર કલાકે ઉકાઈ ડેમની સપાટી 326.21 ફુટ નોંધાઈ હતી. જે આજે રાત્રે 10 કલાકે બે ફુટ વધીને 328..17 ફુટ નોંધાવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, આજનું ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફુટ છે. જ્યારે તેની સપાટી 328.17 ફુટ સુધી પહોંચી ગઈ છે. એટલે કે રૂલ લેવલથી સપાટી માત્ર પાંચ જ ફુટ નીચે છે. ઉકાઈ ડેમમાં પાણીની આ આવક સામે જાવક માત્ર 1000 ક્યુસેક જ રાખવામાં આવી છે.