સુરત(Surat): શહેરને અડીને આવેલા ચોર્યાસી અને મજુરા (Majura) તેમજ ઓલપાડ (Olpad) વિસ્તારના જિંગા તળાવો તોડવા મુદ્દે જિલ્લા કલેકટરના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી સામે હાઇકોર્ટ તરફથી ‘સ્ટે’મુકવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) તંત્રને ડિમોલિશન નહીં કરવા તેમજ જિંગા ઉછેરની કોઈ પણ પ્રવૃતિ કરી શકશે નહી તેવી તાકિદ કરી હતી. તેમ છતા જિંગા ઉછેરકોએ તળાવમાં જિંગાનો પાક નાંખ્યો હતો. જો કે હવે આ મામલે આગામી 7 ડિસેમ્બરના રોજ યોજનારી સુનાવણી મહત્વની બની જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરવામાં આવેલી પિટિશનને પગલે સુરત જિલ્લા કલેકટર દ્વારા ઓલપાડ, મજુરા અને ચોર્યાસીના હજારો ગેરકાયદેસર જિંગા તળાવો તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તંત્રની કામગીરીથી નારાજ મજૂરા અને ચોર્યાસીના જિંગા ઉછેરકો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી જિંગા તળાવોના ડિમોલેશનની કામગીરી અટકાવવા માટેની માંગણી કરતા કોર્ટે ‘સ્ટે’આપ્યો હતો. જેમાં ચોર્યાસી તથા મજૂરા વિસ્તારમાં આવેલા જિંગા તળાવોને હાલમાં જે સ્થિતિમાં હોય તે સ્થિતિ જાળવી રાખવા માટે જણાવાયું હતું. જેથી અરજદારો પણ જિંગા ઉછેરની કોઇપણ પ્રવૃતિ નહીં કરી શકે તેમ હોવા છતા જિંગા ઉછેરકોએ જિંગાનો પાક લીધો હોવાની એફિડેવિટ કલેકટર સુરત તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત સુરત જિલ્લાનાં દરિયાકાંઠાની કરોડો રૂપિયાની જમીન ઉપર કબ્જો જમાવીને બેઠેલા જિંગા તળાવના ઉછેરકોને પગલે ખેડૂતોને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવતો હોવાની રજૂઆત પણ હાઇકોર્ટ સુધી પહોંચી છે. જેને પગલે આગામી 7 ફેબ્રુઆરીના રોજ યોજનારી સુનાવણી રાખવામાં આવી છે. જે મહત્વની છે. જિલ્લા કલેકટર તરફથી આ કેસમાં સરકાર પક્ષે હાઇકોર્ટના સરકારી વકીલ હાજર રહે તે માટેની વિનંતી કરવામાં આવી હતી. જેને પગલે 7 ફેબ્રુઆરીની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ હાજર રહેવાના હોવાથી આ સુનાવણી મહત્વની બનશે.