સુરતમાં નવી ઉજાસ જેવી પહેલ “હિરાબાના નામે ખમકાર” અભિયાન દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓને શાળા ફી, પુસ્તકો અને યુનિફોર્મ માટે મદદ આપવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોમાં વિદ્યાર્થી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવો અને તેમની ભવિષ્યની રૂપરેખા બદલવાનો છે.
- “હિરાબાના નામે ખમકાર” અભિયાન: નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓ માટે શિક્ષણ સહાયની યોજના
આ અભિયાન શહેરના ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું છે. જે માત્ર દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપશે નહીં પરંતુ સમાજમાં દીકરી પ્રત્યેની વિચારસરણીમાં પણ સકારાત્મક પરિવર્તન લાવશે.
“હિરાનાં નામે ખમકાર” નામના આ અભિયાન હેઠળ પિયુષભાઈએ કુલ 21,000 દીકરીઓને રૂ.7,400ની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ સહાય શાળા ફી, પુસ્તકો અને યુનિફોર્મ જેવી શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવા માટે અપાશે.
આ પહેલ વડાપ્રધાન મોદીની માતા હીરાબાની યાદમાં શરૂ કરવામાં આવી છે. જેમણે પોતાના જીવનમાં દીકરીઓના શિક્ષણનું મહત્વ હંમેશા સમજાવ્યું હતું. પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું કે “દીકરી શિક્ષિત થશે તો સમાજ પ્રગતિ કરશે. દીકરી માત્ર ઘરની લાજ નહીં પરંતુ રાષ્ટ્રની શક્તિ છે.” તેમના આ શબ્દો સમગ્ર સમાજને પ્રેરણા આપે છે કે શિક્ષણ એ જ સાચી સંપત્તિ છે.
આ અભિયાનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસે કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં 251 દીકરીઓને સહાય મળી ગઈ છે અને ટૂંક સમયમાં બાકીની દીકરીઓ સુધી આ સહાય પહોંચાડવાની યોજના છે.
આ નવી પહેલ “હિરાનાં નામે ખમકાર” માત્ર એક અભિયાન નહીં પરંતુ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક સકારાત્મક સંદેશ છે.
આ પહેલથી હજારો પરિવારોને દીકરીઓના શિક્ષણ માટે નવી આશા મળી છે. પિયુષભાઈ દેસાઈએ સાબિત કર્યું છે કે જો એક વ્યક્તિ પણ સમાજ માટે સકારાત્મક રીતે વિચારે તો તે હજારો જીવનોમાં પ્રકાશ ફેલાવી શકે છે.