સુરત : મહિધરપુરા પોલીસ સ્ટેશનની (Police Station) સામે જ બીઆરટીએસ (BRTS) બસના (Bus) ચાલકે પોલીસ મથકના બે કર્મીઓને ઓવરટેક (Overtack) કરવા જતા અકસ્માત (Accident) થયો હતો. બસના ચાલકે કેફી પીણું પીને ગાડી હંકારી હોવાની વાત પણ બહાર આવી હતી. પોલીસે આ ચાલકની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. રામપુરા પોલીસ લાઇનમાં રહેતા રાજદીપસિંહ દિલીપસિંહ દાયમા કોપી રાઇટર તરીકે નોકરી કરે છે. તેઓ અન્ય હેડ કોન્સ્ટેબલ વિજય રાણાભાઇ ભરવાડની સાથે હીરાબજારમાં તપાસના કામે બુલેટ લઇને જઇ રહ્યા હતા. ત્યારે પોલીસ મથકની સામે જ બીઆરટીએસ બસના ચાલકે ફુલ સ્પીડમાં ગાડી હંકારીને બુલેટને ઓવરટેક કરવા માટે ગયા હતા અને અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં વિજયભાઇ નીચે પડી ગયા હતા અને તેઓને ખભાના ભાગે ઇજા થઇ હતી. અકસ્માત થતા જ લોકો ભેગા થઇ ગયા હતા અને બસમાંથી ચાલકને નીચે ઉતાર્યો હતો. પોલીસે તેની પાસેથી દારૂ જેવું કેફી પીણું પીધુ હોવાની દુર્ગંધ આવતી હતી. પોલીસે તેનું નામ પુછતા પૂણાગામ કિરણચોકમાં રહેતા નામદેવ યુવરાજ પાટીલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.
ચલથાણ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે સુરતના બાઇકસવારનું મોત
પલસાણા: ચલથાણ ગામની સીમના આવેલા ને.હા.48 પર અજાણ્યા વાહને મોટરસાઈલને અડફેટે લેતાં મોટરસાઇકલ સવાર બે યુવાનો પૈકી એકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુરત સિટી લાઈટ ખાતેના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતા શંભુ મુખ્તાર અનુપભાઈ મુખીયા (ઉં.વ.29) (રહે.,લક્ષ્મીપુર, થાણા-અનિલનગર, તા.હરિયત, જિ.દરભંગા, બિહાર)એ પલસાણાના જોળવા ખાતે મકાન ખરીદ્યું હતું. જેનો દસ્તાવેજ નોંધણી માટે મંગળવારે સાક્ષી તરીકે સહી કરાવવા માટે તેના કાકાના દીકરા અને તેની પત્નીને લઈ સુરતથી પલસાણા મામલતદાર ઓફિસમાં આવવા નીકળ્યા હતા. જ્યાં કડોદરા શંભુને તેનો મિત્ર નિતેશ ભાલાળા મળતાં તે મિત્રની બાઇક નં.(GJ 05 FY 8819) પર બેસી પલસાણા મામલતદાર ઓફિસમાં ગયા હતા. જ્યાં દસ્તાવેજનું કામ પૂર્ણ કરી બપોરના સમયે પરત ફરતા હતા. એ દરમિયાન પલસાણાથી સુરત જતા ને.હા.8 ઉપર પ્રિન્સ હોટલની સામે અજાણ્યા વાહનચાલકે બાઇકને અડફેટે લેતાં બંને મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમની પાછળ આવતા તેના કાકાના દીકરા દીપક મુખીયાએ બંનેને 108 મારફતે સારવાર અર્થે ચલથાણ સંજીવની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી શંભુ મુખીયાની હાલત વધુ ગંભીર હોવાથી સુરત સ્મીમેરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે મૃતકના કાકાના દીકરા દીપક મુખીયાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કડોદરા પોલીસમથકમાં ગુનો નોંધાવ્યો હતો.