સાયણ: ઓલપાડ તાલુકાનાં સિવાણ ગામની સીમમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. અહીં સંકલ્પ રેસીડેન્સીનાં (Sankalp Residency) બિહારી બિલ્ડર અને પુત્રએ મકાન ગ્રાહકોને માર મારવાના ગુનાના પ્રકરણમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બિલ્ડર (Builder) પુત્રએ ત્રણ ઓરીસ્સાવાસીઓ વિરૂધ્ધ મકાન ખરીદવા આવતા કસ્ટમરોને ભડકાવવા મામલે નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ સાયણ ટાઉનની સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતો 19 વર્ષિય દિપકભાઇ મહેન્દ્ર પ્રજાપતિ છેલ્લા ત્રણ વર્ષથી સિવાણ ગામની સીમમાં નોકરી કરી રહ્યો છે. દિપક સંકલ્પ રેસીડેન્સીમાં સાઇડ એન્જીનિયર તરીકે નોકરી કરે છે. દરમિયાન દિપક ગત તા.11 ના રોજ સાંજના સમયે સંકલ્પ રેસીડેન્સીમાં 6 જેટલા કસ્ટમરોને પ્લોટ નં.67 માં બાંધકામ ચાલુ હોવાથી તેઓને બતાવવા ગયો હતો.
દરમિયાન આ રેસીડેન્સીમાં રહેતો નિતેષ સતિષ દુબે અને તેના ભાઇ ધીરેન્દ્રએ સંતોષ ઇન્દ્ર નાહકને ફોન કરીને ત્યાં બોલાવ્યો હતો. તેમજ આ ત્રણેએ કસ્ટમરોને તેના ઘરે બોલાવી ભડકાવ્યા હતા કે, આ રેસીડેન્સીમાં આવેલ તમામ મકાનો કોમન પ્લોટમાં બનાવેલ છે અને બિલ્ડર તમારા ટોકન તરીકેના પૈસા લીધા પછી પરત આપશે નહીં. આ દરમિયાન દિપક પ્રજાપતિએ ત્રણેને આવી ખોટી વાતો ન કરવાનું કહેવા છતાં તેઓ માન્યા ન હતા. જેથી દિપક પ્રજાપતિએ ફોન કરીને કોન્ટ્રાક્ટર મિતુલ ધીરૂભાઇ કાજાવદરા તેમજ પોતાના પિતા મહેન્દ્ર લાલજી પ્રજાપતિને ઘટના સ્થળે બોલવ્યા હતા.
દરમિયાન સંતોષ નાહક પોતાના મોબાઇલમાં આ કસ્ટમરો અને ફરિયાદી દિપકનો વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યો. તેમજ તેને અટકાવતા અચાનક સંતોષ ઉશ્કેરાઇ ગયો હતો અને ગંદી ગાળો બોલી દિપકને ગાલ ઉપર તમાચો મારી દીધો હતો. જેથી ઝગડો ઉગ્ર બનતી અટકાવવા દિપક તેના પિતા મહેન્દ્રભાઇ તથા કોન્ટ્રાકટર મિતુલ ત્રણે ઘટના સ્થળેથી નીકળી ગયા હતા. ત્યારે અચાનક સંતોષ નાહકે દિપકનો કોલર પકડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ પિતા-પુત્ર અને કોન્ટ્રાક્ટર ત્રણેય ત્યાંથી રવાના થઈ ગયા હતા.
ત્યાર બાદ સમગ્ર મામલે દિપક મહેન્દ્ર પ્રજાપતિએ ગઇ કાલે તા.17 ના રોજ આ ત્રણે ભડકાવનારાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ આરોપ લગાવ્યો હતો કે, આ ત્રણેય આરોપિ મકાન ખરીદવા આવતા ગ્રાહકોને રેસીડેન્સીનાં લીગલ પ્લોટોનાં બાંધકામ બાબતે ખોટી રીતે ભડકાવતા હતા. તેમજ આ મામલે દિપકે ઓલપાડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ત્રણે વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.