Business

“સુરત બજેટ 2026-27: રાહત, વિકાસ અને વિશ્વાસ”11,301 કરોડના બજેટથી ‘સ્માર્ટ સુરત’ તરફ એક મોટું પગલું

દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેર માટે વર્ષ 2026-27નું બજેટ માત્ર આંકડાઓનું દસ્તાવેજ નથી, પરંતુ સુરતીઓના જીવનમાં સીધી અસર કરતું એક દિશાદર્શક આયોજન છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા 10,593 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિએ 708 કરોડનો વધારો કરીને કુલ બજેટ 11,301 કરોડ સુધી પહોંચાડ્યું છે. સુરતના ઇતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું બજેટ છે.આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે સતત ત્રીજા વર્ષે પણ સુરતીઓ પર કોઈ નવો કરબોજ મૂકવામાં આવ્યો નથી. મોંઘવારીના સમયમાં ટેક્સમાં વધારો ન કરવો એ મધ્યમ વર્ગ માટે મોટી રાહત છે અને શાસક પક્ષની સ્પષ્ટ નીતિ અને ચૂંટણીલક્ષી રણનીતિને દર્શાવે છે.

બજેટમાં એક ઐતિહાસિક નિર્ણય તરીકે વિધવા બહેનોને મિલકતના સામાન્ય વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે મિલકતો વિધવા મહિલાઓના નામે છે, તેમને હવે મિલકત વેરો ભરવો નહીં પડે. રાજ્ય સરકારની સહાય મેળવનાર વિધવા બહેનોને લાભાર્થી કાર્ડના આધારે આ મુક્તિ મળશે. આ નિર્ણયથી શહેરની લાખો મહિલાઓને સીધો આર્થિક લાભ મળશે.વરિષ્ઠ નાગરિકો માટે પણ બજેટમાં ખુશખબર છે. હવે સુરતના સિનિયર સિટીઝન BRTS બસોમાં તદ્દન મફત મુસાફરી કરી શકશે. સ્થાનિક સિવિક સેન્ટર પરથી પાસ કાઢીને તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. આ નિર્ણયથી વૃદ્ધોને રોજિંદા જીવનમાં સરળતા મળશે અને જાહેર પરિવહનનો ઉપયોગ પણ વધશે.

વિકાસની દિશામાં પણ સુરતને ‘બ્રિજ સિટી’ તરીકે વધુ મજબૂત બનાવવા માટે 8 નવા ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.,અઠવા, પીપલોદ,ઉધના, વરાછા, સરથાણા અને પાલ-ઉમરા જેવા વ્યસ્ત વિસ્તારોમાં નવા બ્રિજ ટ્રાફિક સમસ્યા ઘટાડવામાં મદદરૂપ થશે. વિકાસ કામો માટે કુલ 656 કરોડનો વધારો કરવામાં આવ્યો છે, જે રસ્તા, ડ્રેનેજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે.મહિલા સશક્તિકરણ માટે “સુરતી હાટ બજાર”ની સ્થાપના થશે, જ્યાં મહિલા સ્વ-સહાય જૂથો અને સખી મંડળોને તેમના ઉત્પાદનો વેચવા કાયમી પ્લેટફોર્મ મળશે. સાથે જ સ્વચ્છતા માટે મહિલા ઓને મફત સાબુ આપવાની યોજના પણ સામેલ છે. શહેરમાં 250 નવા પિંક ટોયલેટ્સ અને ખાસ દિવસોમાં માટે સિટી બસ તથા BRTSમાં મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.શિક્ષણ ક્ષેત્રે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને રમત ગમતનો ગણવેશ, હાઇ-ટેક લેબ, AR/VR શિક્ષણ, કોમ્પ્યુટર અને પ્રિન્ટર જેવી સુવિધાઓ માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે સ્મીમેર હોસ્પિટલમાં આધુનિક બ્લડ સેન્ટર અને નવી લેબોરેટરી સુવિધાઓ પણ બજેટનો મહત્વનો ભાગ છે.સમગ્ર રીતે જોવામાં આવે તો, સુરત મહાનગરપાલિકાનું 2026-27નું બજેટ રાહત, વિકાસ અને વિશ્વાસનું સંતુલિત દસ્તાવેજ છે, જે સુરતને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને સુખાકારીયુક્ત શહેર બનાવવા તરફ એક મજબૂત પગલું છે.

Most Popular

To Top