SURAT

ખડગેના નિવેદન પર સુરત ભાજપનો તીખો પ્રહાર“ ગુજરાતીઓનું અપમાન કરનારને પ્રજા આપશે જવાબ”

સુરતમાં રાજકીય માહોલ ફરી ગરમાયો છે, જ્યાં શહેર ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેના તાજેતરના નિવેદનને લઈને કડક વલણ અપનાવ્યું છે. ભાજપના સ્થાનિક નેતાઓએ આ નિવેદનને ગુજરાતની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર ગણાવી તીવ્ર વિરોધ નોંધાવ્યો છે.


શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને પ્રદેશ સહ-પ્રવક્તા હેમાલી બોધાવાળાએ સંયુક્ત પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે ગુજરાતીઓએ વર્ષો સુધી પોતાની મહેનત, દૃઢ સંકલ્પ અને વેપારી દક્ષતાથી વિશ્વભરમાં આગવી ઓળખ ઉભી કરી છે.આવી પ્રજાને અયોગ્ય શબ્દોમાં સંબોધવું અસ્વીકાર્ય છે અને એ કોંગ્રેસના વિચારધારાનું પ્રતિબિંબ છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી વારંવાર ગુજરાતના યોગદાનને અવગણતી આવી છે. દેશના એકીકરણમાં અગત્યની ભૂમિકા ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટ્સ સામે પણ વિરોધ નોંધાવવો એ તેમની સંકુચિત માનસિકતા દર્શાવે છે.

ભાજપના નેતાઓએ કહ્યું કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત વૈશ્વિક મંચ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યું છે. વિકાસના આ સમયમાં આવા નિવેદનો માત્ર રાજકીય લાભ માટે કરવામાં આવે છે, જે સમાજમાં વિભાજન ઊભું કરી શકે છે.

આ ઉપરાંત તેમણે ચેતવણી આપી કે ગુજરાતની જનતા સ્વાભિમાન માટે જાણીતી છે અને આવા અપમાનને ક્યારેય સહન નહીં કરે. કોંગ્રેસે પોતાના નેતાઓના નિવેદન અંગે સ્પષ્ટતા અને માફી આપવી જોઈએ, નહીં તો લોકશાહીમાં પ્રજા પોતાનો પ્રતિસાદ ચોક્કસ આપશે. આ મુદ્દે શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Most Popular

To Top