સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) સાડીના ફોલ્ડીંગનું કામકાજ કરતો કારીગર શેઠનો 50 હજારનો ચેક વટાવીને પરત ઓફિસે (Office) જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં (Road) બે યુવકોએ કારીગરને લાત મારીને ઊભો રાખી દીધો હતો અને તેની પાસેથી 50 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ ઝારખંડના વતની અને સુરતમાં ગોડાદરા આસપાસ પાસે નારાયણ નગરમાં રહેતો સુરેશભાઇ અમીનભાઇ રાય યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીઓ કટીંગ તેમજ ફોલ્ડીંગનું કામકાજ કરે છે. શુક્રવારે બપોરના સમયે સુરેશભાઇ ઓફિસમાં હાજર હતા, આ ઓફિસમાં સુરેશભાઇના શેઠ સંજયભાઇએ જણાવ્યું કે, ડીકીએમ સર્કલ પાસે કેનેરા બેંકમાંથી ચેક લઇને વટાવીને આવો. સુરેશભાઇ ચેક લઇને બેંકમાં વટાવીને 10 હજારના પાંચ બંડલ મળી કુલ્લે 50 હજાર લઇને પરત ઓફિસે જઇ રહ્યા હતા. સુરેશભાઇ એર ઇન્ડિયાથી ડીકીએમ સર્કલ વચ્ચે કણબી શેરીના નાકે પહોંચતા એક કાળા કલરની ટીવીએસ મોટર સાઈકલ ઉપર બે ઇસમો આવ્યા હતા. બંનેએ સુરેશભાઇને લાતો મારીને ફેંકવા પ્રયાસ કર્યો હતો. સુરેશભાઇનો ગાડી ઉપર કાબુ નહીં રહેતા તેઓએ સાઇડમાં ગાડી ઊભી રાખી દીધી હતી. આ દરમિયાન બે ઇસમોએ સુરેશભાઇની પાસે આવ્યા અને એક વ્યક્તિએ સુરેશભાઇને પકડી રાખ્યા અને બીજાએ તેમના ખિસ્સામાંથી 50 હજાર કાઢી લઇને ભાગી ગયા હતા. આ ઘટના અંગે સુરેશભાઇએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરની બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ઈ-વેસ્ટ પ્લાન્ટમાંથી રૂ. 56 હજારના કોપરની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર 9701-16 પર બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની આવેલી છે. ગત તા. 10મી જૂનના રોજ તસ્કરો કંપનીના ઈ-વેસ્ટ પ્લાન્ટમાં ઘૂસી ડ્રમમાં મુકેલો કોપર કોઇલ તેમજ કોપર બાર સહીત 86 કિલો ભંગાર મળી રૂપિયા 56 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની તમામ કરતૂત કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવના પગલે કંપનીના ઓપરેટરે એચ.આર. મેનેજર આશિષ ગુર્જરને જાણ કરી હતી, ત્યારે કેમેરાના ફૂટેજ તપાસ કરતા તેમાં 2 તસ્કરો ચોરી કરતકાં નજરે પડ્યા હતા. કંપનીના મેનેજરે જીઆઈડીસી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.