SURAT

Surat: રત્નકલાકારોને મોટી રાહત, 50 હજારથી વધુ બાળકોની સ્કૂલ ફી રાજ્ય સરકાર ચૂકવશે

સુરતમાં રત્નકલાકારોના બાળકોને શિક્ષણમાં મોટી રાહત આપવા સરકારી યોજનાનો લાભ લેવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને કુલ 74268 અરજીઓ મળી હતી. જે પૈકી કુલ 47599 અરજીઓ ભલામણ સહ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત મળી હતી. આમ કુલ 47599 અરજીઓના કુલ 50241 બાળકોને સ્કૂલ ફી પેટે સહાય રાજ્ય સરકાર ચુકવશે.

  • હીરા ઉદ્યોગની મંદી વચ્ચે 50241 બાળકોને રૂ. 13500 સુધી સહાય ચુકવાશે
  • રત્નકલાકારો દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને કુલ 74268 અરજીઓ મળી હતી, જે પૈકી 47599 અરજીઓ પ્રમાણિત કરાઈ

ગુજરાતમાં હીરા ઉદ્યોગ માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ દેશ માટે પણ રોજગારીનું વિશાળ માધ્યમ અને વિદેશી હુંડિયામણ મેળવવાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભી થયેલી વિષમ પરિસ્થિતિને કારણે હીરા ઉદ્યોગને ભારે અસર થઈ હતી. જેના પરિણામે અનેક રત્નકલાકારો અને સૂક્ષ્મ એકમો રોજગારી ગુમાવી બેઠા હતા.

આવી પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે હીરા ઉદ્યોગને સ્થિરતા આપવા અને અસરગ્રસ્તોને રાહત આપવા માટે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે.

આ પેકેજ હેઠળ રત્નકલાકારોના બાળકોને શિક્ષણમાં અડચણ ન આવે તે હેતુસર રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રતિ બાળક મહત્તમ રૂ. 13,500 સુધીની સ્કૂલ ફી ભરપાઈ કરવાની જાહેરાત કરી છે. સાથે જ, અસરગ્રસ્ત સૂક્ષ્મ હીરા એકમોના પુનઃસ્થાપન માટે વ્યાજ સહાય યોજના પણ અમલમાં મૂકી છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સહાય માટે કુલ 74,268 અરજીઓ મળી હતી. જેમાંથી 47,599 અરજીઓ યોગ્ય જણાઈ હતી. આ અરજીઓ હેઠળ કુલ 50,241 બાળકોને રૂ. 13,500ની મર્યાદા સુધી સ્કૂલ ફી સહાય ચૂકવવામાં આવશે.

કલેક્ટર દ્વારા આ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી
સુરતમાં અસરગ્રસ્ત રત્નકલાકારોની બહોળી સંખ્યાને ધ્યાનમાં રાખી કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સમિતિ બેઠકમાં નક્કી કરાયું હતું કે સ્કૂલો દ્વારા રત્નકલાકારોને યોજનાની જાણકારી આપવામાં આવશે.

તેમજ રત્નકલાકારોને સુરત ડાયમંડ એસોસિએશન પાસેથી ભલામણપત્ર મેળવવા ફરજિયાત ન રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સીધા જ એસોસિએશન પાસેથી જરૂરી ભલામણ મેળવી લેવામાં આવશે.

કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચાઇ હતી
રાજ્ય સરકારના ઠરાવ અનુસાર તા. 31 માર્ચ 2024 બાદ કારખાનામાંથી છુટા થયેલા અને હાલ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારીથી વંચિત એવા રત્નકલાકારોના બાળકોને એક વર્ષ માટે ફી સહાય આપવામાં આવશે. આ સહાય માટે જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવી હતી.

જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સભ્ય સચિવ તરીકે તેમજ જિલ્લા શ્રમ અધિકારી, રોજગાર અધિકારી, શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, લીડ બેન્ક ઓફિસર અને ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ સભ્ય તરીકે જોડાયા હતા.

Most Popular

To Top