સુરત: ભટાર (Bhatar) ખાતે આવેલી સીએમએસ કંપની એટીએમમાં (ATM) રોકડ (Cash) લોડ કરવાનું કામ કરે છે. આ કંપનીની એક વાન ગત 15 તારીખે સચીન સુધી એટીએમમાં રોકડ લોડ કરવા 2.14 કરોડ લઈને નીકળી હતી. ત્યારે 15 લાખનો હિસાબ ગાયબ જણાતા કંપનીના મેનેજરે ડ્રાઈવર, ગાર્ડ અને બે કસ્ટોડીયનની સામે શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી.
મગદલ્લા ગામ ગુરખા કોલોનીમાં રહેતા 45 વર્ષીય યોગેશકુમાર ચંદુભાઇ પટેલ મુળ આણંદ જિલ્લામાં પેટલાદના વતની છે. યોગેશભાઈ ભટાર ચાર રસ્તા પાસે સીએમએસ ઇનફો સિસ્ટમ લી. કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. સીએમએસ કંપની સુરત શહેરના તમામ એટીએમમાં રોકડ પૈસા જમા કરાવવાનું કામ કરે છે. ગત 15 નવેમ્બરે તેમની એક ગાડી પાંડેસરાથી સચીન રૂટ પર ચાલતી હતી. આ ગાડી (જીજે-19-વાય-3168) માં ડ્રાઈવર મનોજસિંગ રામબિલખ સિંગ (રહે. આભવાગામ લાઇ ફળીયુ, તા-ચૌર્યાસી તથા મુળ પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ), ગાર્ડ હિરામણ ચુડામણ પાટીલ (રહે. ઇ/૧૦૨, આકાર રેસિડેન્સી, લીંબાયત તથા મુળ જલગાંવ, મહારાષ્ટ્ર), કંપનીના કસ્ટોડિયન તરીકે આશુતોષ શ્રીરામ તિવારી (રહે. પ્લોટ નં-૧૭૧, રાધેશ્યામ નગર, પાંડેસરા તથા મુળ જોનપુર, ઉત્તરપ્રદેશ) અને પવિત્ર જયેશભાઇ ખલાસી (રહે. ગભેણીગામ ટેકરા ફળીયુ તા-ચૌર્યાસી) નોકરી કરે છે. ગત 15 નવેમ્બરે પાંડેસરા મિલન પોઇન્ટથી સચીન સ્લમ બોર્ડ બી.ઓ.બી બ્રાંચ સુધીમાં ચારેય આરોપીઓએ મળીને કંપની દ્વારા સોંપવામાં આવેલા 2.14 કરોડ રૂપિયા રોકડા એ.ટી.એમ મશીનમાં લોડ કરવા લઇ ગયા હતા. જેમાંથી કુલ 15 લાખ રૂપિયાના ઉચાપત કરવામાં આવી હતી. ઓપરેશન મેનેજરે ચારેય કર્મચારીઓની સામે શંકાના આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયની અટકાયત કરીને વધારે પુછપરછ હાથ ધરી છે.
આ રીતે રોકડ ઓછી હોવાની જાણ થઈ
આસુતોષે જણાવ્યું હતું કે, કંપનીમાંથી નીકળ્યા પછી હિટાચી એક્ષીસ બેંક એટીએમમાં 20 લાખ જમા કરાવ્યા હતા. વડોદગામમાં એક્ષીસના એટીએમમાં 6 લાખ, ઉ્ન ભીંડી બજારમાં એક્ષીસ એટીએમમાં 11 લાખ, ભેસ્તાન એશબીઆઈ એટીએમાં 25 લાખ, ઉનમાં એક્ષીસ એટીએમમાં 17 લાખ, ગભેણીગામમાં એક્ષિસના એટીએમમાં 5 લાખ, સચીન જીઆઈડીસીમાં આઈસીઆઈસીઆઈ એટીએમમાં 10 લાખ જમા કરાવ્યા હતા. સચીન શીવનગર પાસે એક્ષીસ એટીએમમાં 7 લાખ, સિદ્ધિગણેશ ટાઉનશીપ પાસે એક્ષીસ એટીએમમાં 9 લાખ જમા કરાવ્યા હતા. આ સિવાયના બધા એટીએમમાં જમા કરાવ્યા બાદ જોતા 64 લાખની જગ્યાએ માત્ર 49 લાખ રૂપિયા હતા. 15 લાખનો હિસાબ ગાયબ હતો. એટલે ત્યાં 15 લાખ ગાયબ હોવાની જાણ થઈ હતી.