સુરત: સુરત શહેર(SURAT CITY)માં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી અન્ય હોસ્પિટલોની સાથે મનપાની સ્મીમેરમાં પણ રોજ 50થી પણ વધુ દર્દી(MORE THAN 50)ઓ સારવાર માટે આવી રહ્યાં છે. જેને કારણે આગામી દિવસોમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધે તેવી તબીબોએ ચિંતા કરી યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અત્યાર સુધી કોવિડ(COVID-19)ના દર્દીઓને સ્મીમેર(SMIMMER)ની મુખ્ય ઇમારતના પહેલા અને બીજા માળે રાખવામાં આવતા હતા. પરંતુ હવે કેસની સંખ્યા વધતા પહેલાની જેમ હવે ફરીવાર કેમ્પસમાં આવેલા મલ્ટિ લેવલ પાર્કિંગ(PARKING)માં કોવિડના દર્દીઓને રાખવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. દર્દીઓ અને તેમના પરિવારજનોની સંખ્યા વધતાં મલ્ટિ લેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફલોરમાં તબીબો દ્વારા 160 જેટલા દર્દીઓને રાખવા માટે વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવી છે. જયારે કોરોનાના દર્દીના પરિવારજનો માટે મલ્ટી લેવલ પાર્કિંગની બહાર અને ઇમરજન્સી ગેટ પાસે તંબુ બનાવી ગરમીના દિવસોમાં રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
સ્મીમેરમાં 72 કલાકમાં જ કોરોનાના કેસ વધી ગયા
સ્મીમેર હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસના ડેટા મુજબ રવિવારે 126 લોકોનું રેપિડ ચેક કરવામાં આવ્યું હતું. જેની સામે 8 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જયારે સોમવારે 243 રેપિડ ટેસ્ટ પૈકી 26 અને મંગળવારે 252 પૈકીના 37 લોકો પોઝિટિવ દર્દી તરીકે બહાર આવ્યા છે. આ આંકડો આગામી દિવસોમાં વધે તો તેને પહોંચી વળવા માટે તૈયારીઓ આરંભવામાં આવી છે.
ગુરુવારે આરોગ્ય મંત્રાલયે જારી કરેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના રેકોર્ડ 53,476 નવા કેસ નોંધાયા છે. ગુરુવારે 152 દિવસ પછી દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. આ સાથે દેશમાં ઇન્ફેક્શનની કુલ સંખ્યા વધીને 1,17,87,534 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, આ જીવલેણ ચેપને કારણે 251 લોકોનાં મોત થયાં છે, આ સાથે મૃત્યુની સંખ્યા 1,60,692 પર પહોંચી ગઈ છે.
અડધા કરતા ઓછા સ્વસ્થ દર્દીઓની સંખ્યા
આરોગ્ય મંત્રાલયની નવીનતમ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 26,490 કોરોના દર્દીઓ તેમના ઘરે પાછા ફર્યા છે. આ સાથે, દેશમાં હજી સુધી 1,12,31,650 દર્દીઓ કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. દરરોજ નોંધાયેલા નવા કોરોના કેસોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. 15 ફેબ્રુઆરી પછી કોરોનાના સક્રિય કેસોમાં મોટો વધારો થયો છે, જેની સાથે સક્રિય કેસ લગભગ ચાર પર પહોંચી ગયા છે.