SURAT

દુબઈ જવા માંગતો યુવક પ્લેનમાં બેસે તે પહેલાં જ તેની સાથે સુરત એરપોર્ટ પર થયું આવું

સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસની સુરત-શારજાહ (Surat-Sharjah) ફ્લાઈટમાં શારજાહ જઈ રહેલાં સુરતનાં ઉન ગામનાં પેસેન્જરને (passenger) બે લાખ યુએઈ દિરહામ એટલે કે, ભારતીય ચલણ મુજબ 45 લાખ રૂપિયાની રોકડ સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)નાં સુરત યુનિટના અધિકારીઓએ પકડી પાડ્યો હતો. સામાન્ય રીતે વિદેશ પ્રવાસ દરમિયાન 20,000 રૂપિયાથી વધુ ભારતીય મૂલ્યની વિદેશી કરન્સી રાખી શકાય નહીં. ડીઆરઆઈનાં સૂત્રોના જણાવ્યાં મુજબ સુરતથી શારજાહ જઈ રહેલી ફ્લાઈટ પકડવા આ પેસેન્જર પહોંચ્યો ત્યારે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગ બહાર એને અટકાવી બેગની ઝડતી લેવામાં આવતાં એને બેગમાં પુસ્તકો અને કપડામાં સંતાડેલા 2 લાખ દિરહામ મળી આવ્યાં હતાં.

વિદેશી કરન્સી પકડાતાં આવકવેરા વિભાગને પણ જાણ કરી
જેનું ભારતીય મૂલ્ય 45 લાખ રૂપિયા જેટલું થાય છે. મોટી માત્રામાં વિદેશી કરન્સી ધરાવનાર આરોપીએ કબૂલાત કરી છે કે, સુરત-શારજાહ ફ્લાઈટમાં શારજાહ ઉતરી અહીંથી દુબઈના ગોલ્ડ સુખ માર્કેટમાંથી સોનું ખરીદી ફરી સુરત સોના સાથે રિટર્ન થવાનું આયોજન હતું. પણ સુરતથી વિમાનમાં બેસે તે પહેલા જ આ પ્રવાસી ડીઆરઆઈના અધિકારીઓનાં હાથે પકડાઈ ગયો હતો. ડીઆરઆઈએ 45 લાખનાં મૂલ્યની વિદેશી કરન્સી પકડાતાં આવકવેરા વિભાગને પણ જાણ કરી છે. DRI ની તપાસ પૂર્ણ થયા પછી કેસ આવકવેરા વિભાગને સોંપવામાં આવશે.

2 લાખ યુએઈ દિરહામ ક્યાંથી આવ્યાં એને લઈ આરોપીની પૂછપરછ કરાઈ
દુબઈથી વાયા શારજાહ થઈ સુરતમાં સોનાની ખેપ મારવા માટે સુરતનાં ઉનમાં રહેતાં કેરિયરને બે લાખ યુએઈ દિરહામ કોણે આપ્યાં એનાં મૂળ સુધી જવા સુરત ડીઆરઆઈએ આરોપીની પૂછપરછ કરી છે. આ સમગ્ર કાંડમાં બીજા કયા લોકો સામેલ છે. આટલી મોટી માત્રામાં કરન્સી કોણે આપી એને લઈ આગળની તપાસ ચાલશે. અત્યાર સુધી શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સોનુ અને વિદેશી કરન્સી પકડાઈ છે. પ્રથમવાર સુરતથી શારજાહ જતી ફ્લાઈટ પહેલા 2 લાખ યુએઈ દિરહામ પકડાયા છે. ડીઆરઆઇએ 2 લાખ દિરહામ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top