SURAT

2003થી 2021 સુધી ગુજરાત સરકારે સુરત એરપોર્ટની સુવિધાઓ પાછળ આટલા કરોડનો તોતિંગ ખર્ચ કર્યો

સુરત: ગુજરાતના બીજા ક્રમાંકના ઔદ્યોગિક શહેર સુરત (Surat)માં 2006 સુધી સુરત એરપોર્ટ (Airport)નું સંચાલન રાજ્ય સરકારનું ઉડ્ડયન વિભાગ કરતું હતું વર્ષ 2007માં કેન્દ્રના નાગરિક ઉડ્ડયનમંત્રી પ્રફુલ પટેલે સુરતને વધુ એરકનેક્ટિવિટી (Air connectivity) જોઇતી હોઇ તો એરપોર્ટને કેન્દ્ર સરકાર હસ્તક કરી જો રાજ્ય સરકાર પાણી, વિજળી અને સિક્યુરીટીનો ખર્ચ ઉપાડે તો વધુ ફ્લાઇટ મળી શકે તે મુજબનો કરાર કર્યો હતો. એક RTI અરજીના ઉત્તરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)એ જણાવ્યું છે કે સુરત એરપોર્ટ માટે AAI અને ગુજરાત સરકાર વચ્ચે જે MOU થયું છે તે કયારે પૂર્ણ થશે તેનો સમયગાળો 3 વર્ષ લખવામાં આવ્યો હતો. તેની મુદ્દત 2010માં પૂર્ણ થઇ હોવા છતાં હજી આ ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મનપા ઉઠાવી રહી છે.

વિજળી અને સિક્યોરિટીનો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવી રહી છે. અને પાણીની વિના મૂલ્યે સુવિધા સુરતમહાનગરપાલિકા આપી રહી છે. AAIએ આપેલા આંકડા મુજબ વર્ષ 2003થી 2021 દરમિયાન ગુજરાત સરકારે સુરત એરપોર્ટના વિજળી ખર્ચ પેટે 17 કરોડ, સિક્યોરિટી માટે 15 કરોડ, અને પાણીના ખર્ચ પેટે 1 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તેને લીધે લાંબો સમય બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ 33 કરોડનો ખર્ચ કરનાર સુરત એરપોર્ટ પ્રથમ એરપોર્ટ બન્યું છે. આ 33 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મનપાએ કર્યો છે. આ ખર્ચ સુરત અને ગુજરાતના ટેક્સ પેયરના નાણાંમાંથી ચૂકવવામાં આવ્યો છે. આ મુદ્દે હવે સુરતના લોકોનું કહેવું છે કે રાજ્યના કરદાતાઓના ટેક્સમાંથી આ લૂંટ બંધ થવી જોઇએ અને કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટનો દરજ્જો મળ્યાં પછી આ ખર્ચ એરપોર્ટ ઓથોરિટીએ ભોગવવો જોઇએ.

જે તે સમયે સુરત એરપોર્ટ રાજ્ય સરકાર દ્વારા એક MOU (સમજુતી કરાર) દ્વારા AAI ને હસ્તાંતરણ કરાયું હતું, જેમાં લખેલી શરત મુજબ બે ત્રણ વર્ષ અથવા જ્યાં સુધી સુરત એરપોર્ટ પર થોડી ઘણી યાત્રીઓની અવરજવર શરૂ નહિ થાય ત્યાં સુધી વીજળી/પાણી તથા પોલીસે સુરક્ષા નો ખર્ચો રાજ્ય સરકારને ભોગવાનો રહેશે. તદ્ઉપરાંત AAI ને એરપોર્ટના વિસ્તરણ માટેની કોઈ પણ જમીનની જરૂર હોય તો તે પણ રાજ્ય સરકારે મફત પૂરી પાડવાની રહેશે. એરપોર્ટ પર થતી સંપૂર્ણ આવક AAI લઇ જશે અને ગુજરાત સરકાર ને એમાં થી એક પણ ફૂટી કોડી પણ મળશે નહિ.

રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા એરપોર્ટનો પેસેન્જર ગ્રોથ સુરત કરતા ઓછો છતાં વિજળી, પાણી અને CISFનો ખર્ચ એરપોર્ટ ઓથોરિટી ઉપાડે છે

સુરત એરપોર્ટથી 2018-19 અને 2019-20 દરમિયાન 15.15 લાખ જેટલા પેસેન્જરોની અવર-જવર રહી હોવા છતાં 2006ના MOU મુજબ વિજળી, પાણી અને સિક્યોરિટીનો ખર્ચ એરપોર્ટ ઓથોરિટી ઉઠાવી રહ્યું નથી એટલું જ નહીં હજી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ છતાં CISFનો પોલીસ બંદોબસ્ત આપવા અને તેમના વસવાટનો મામલો પ્રક્રિયામાં છે. સુરત એ દેશનું પ્રથમ કસ્ટમ નોટીફાઇડ એરપોર્ટ છે જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોવા છતાં CISFનો બંદોબસ્ત નથી સામાન્ય રીતે જ્યાં વર્ષે 50 હજાર પેસેન્જરો અવર-જવર કરે છે તેવા નાના એરપોર્ટને CISFનો બંદોબસ્ત મળ્યો છે. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે એરપોર્ટ ઓથોરિટીને કરાર પ્રમાણે વિજળી, પાણી અને સુરક્ષાનો ખર્ચ કરવા જણાવવામાં આવે અને રાજ્ય સરકાર નાગરીકોના ટેક્સના નાણાંનો દૂરઉપયોગ બંધ કરે.

Most Popular

To Top