સુરત: સુરતના (Surat) સગરામપુરાના અમરદીપ એપાર્ટમેન્ટના ચોથા માળનો દાદરનો ભાગ તૂટીને (Staircase collapsed) પાર્કિંગમાં (Parking) પડતા એક મોપેડને (Moped) ભારે નુકશાન થયું હતું. જોકે ઘટનાને લઈ કોઈ જાનહાની નોંધાય ન હતી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરાતા અધિકારી અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રે 11:10 મિનિટ ની હતી. કોલ મળતા જ નવસારી બજાર ફાયર સ્ટેશનની ગાડી સ્થળ પર દોડી ગઈ હતી. તપાસ કરતા કોઈ જાનહાની થઈ ન હતી. ગ્રાઉન્ડફ્લોર સાથે 4 માળનું એપાર્ટમેન્ટ હતું. ચોથા માળનો દાદર તૂટી પડતા કાટમાળ નીચે એકટીવા મોપેડ દબાતા ભારે નુકસાન થયું હતું. આ ચાર માળના એપાર્ટમેન્ટમાં 110 ફલેટ હતા.
રાજેશ દેશમુખ (ફાયર ઓફિસર નવસારી) એ જણાવ્યું હતું કે બિલ્ડીંગ 40-45 વર્ષ જૂનું હતું. અગાઉ 10-15 દિવસ પહેલા બીજા માળની લોબી તૂટી પડી હતી. નોટિસ આપતા 50 ટકા ભાડુઆત તરીકે રહેતા લોકો ખાલી કરી સુરક્ષિત જગ્યાએ ચાલ્યાં ગયા હતા. શુક્રવારની રાત્રે ચોથા માળનો દાદર તૂટી પડ્યો હતો. આ જર્જરિત એપાર્ટમેન્ટમાં પાલિકાએ તાત્કાલિક એપાર્ટમેન્ટ ખાલી કરાવી ઉતારી પાડવા સૂચન કર્યું છે.
બિલ્ડિંગમાં રહેનાર સ્થાનિક યોગી મૈસૂરિયાએ જણાવ્યું હતું કે ધડાકાભેર દાદારનો ભાગ તૂટી પડતા લોકો બહાર રોડ પર દોડી આવ્યા હતા. આ ઘટના બીજી વાર બની હતી. એપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી ઉતારી પાડવાની નોટિસ પણ અપાઈ હતી. હવે ફ્લેટ માલિકો જ રહે છે. કોઈ મોટી દુર્ઘટનાને ટાળવા પાલિકાના અધિકારીઓ ફ્લેટ માલિકોને વારંવાર સમજાવી રહ્યા છે. હવે એપાર્ટમેન્ટ પર સંપૂર્ણ સિલ મારી આગળની કાર્યવાહી શરૂ કરાય છે.