સુરત : કેટરિંગના ઓર્ડર (catering order)માં જવા નીકળેલા એક ગ્રૂપને હાઇવા ટ્રકે ઇચ્છાપોર (Ichchapor) ચોકડી પાસે અડફેટમાં લીધા હતા. આ અકસ્માત (Accident)માં છ વ્યક્તિને ગંભીર ઇજા (Injury) પહોંચી હતી જ્યારે એકનું ઘટના સ્થળ પાસે જ કમકમાટી ભર્યું મોત (death) નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો, ઇચ્છાપોર પોલીસે ટ્રક ડ્રાઇવરની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા તપોવન ફાર્મ હાઉસમાં કોઈક પ્રસંગે જમવાનું બનાવવા માટે બમરોલી વિસ્તારમાં કેટરિંગનું કામ કરતા એક યુવકને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે ઓર્ડરમાં ગુરુવારે સવારે બમરોલી રોડ નજીક રહેતા રામપ્યારે ગૌરીશંકર મઠેસિયા, ઉધના આશાપુરા સોસાયટીમાં રહેતા સમાધાન ભગવાન પાટીલ, મહેશ વિજયસીંગ ઢાકરે, રૂસ્તમપુરા પોલીસ ચોકી પાસે રહેતો વિનીત લંબુસિંગ (ઉ.વ.31), પાયલ મંગુલાલ રાઠોડ (ઉ.વ.14), સંગીતા બાબુલાલ રાઠોડ અને સંતોષ સોહનલાલ તાવીકર (ઉ.વ.40) થ્રી વ્હીલ ટેમ્પોમાં બેસી જમવાનું બનાવવા માટેનો માલ-સામાન લઈને ઇચ્છાપોર જવા નીકળ્યા હતા.
આ ટેમ્પો ઓએનજીસી રોડ ઉપર ભારત પેટ્રોલપંપ નજીક ચોકડી પાસેથી પસાર થયો ત્યારે ત્યાં પુરપાટ ઝડપે એક ટાટા હાઇવા ટ્રક આવ્યો હતો. આ ટ્રકે ફુલ સ્પીડમાં થ્રી-વ્હીલર ટેમ્પોને ટક્કર મારી હતી. અકસ્માત થતાં જ ટેમ્પોમાં સવાર સાતેય વ્યક્તિઓ ફંગોળાયા હતા અને ફિલ્મી દૃશ્યો જોવા મળ્યા હતા. આ અકસ્માતમાં રામપ્યારે ટેમ્પોમાં દબાઇ ગયા હતા, શરીરે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બે મહિલા સહિત છ વ્યક્તિને તાત્કાલીક સારવાર માટે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું.
ઇજાગ્રસ્તોની યાદી
સમાધાન ભગવાન પાટીલ, મહેશ વિજયસીંગ ઢાકરે, વિનીત લંબુસિંગ, પાયલ મંગુલાલ રાઠોડ, સંગીતા બાબુલાલ રાઠોડ સંતોષ સોહનલાલ તાવીકર