સુરત: સુરત જિલ્લા કલેકટર (Surat district collector) આયુષ ઓક (Ayush oak)એ આજે બોલાવેલી જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક (District task force meeting)માં કોરોનાના થર્ડવેવ પહેલા જિલ્લામાં કોરોનાના પેશન્ટ સુધી પહોંચવા દરેક તાલુકામાં એકેડેમિક ઇન્ટેલિજન્સ યુનિટ (academic intelligence unit) ચાલુ કરવા નિર્ણય કર્યો છે.
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ ગઇકાલે વિધિવત પદભાર સંભાળી લીધા બાદ વિડીયો કોન્ફરન્સથી શરુ કરી સામાન્ય લોકોને મુલાકાત આપી હતી. સાંજે તેમને સુરત જિલ્લામાં કોરોના ઉપર કામ કરતી ટાસ્ક ફોર્સની બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેકટરે અમરેલીમાં કરેલો પ્રયોગ અજમાવવા નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, અમરેલીમાં કોરોના લાગે તે પહેલા પેશન્ટ શોધી કાઢી તેમને સારવાર આપી દેવામાં આવતી હતી. સુરત જિલ્લામાં પણ કોરોનાના થર્ડવેવ પહેલા એકેડેમિક ઇન્ટેલિજન્સ યુનિટ ધમધમતું કરી દેવાશે. આ યુનિટના ફોકસ મુખ્યત્વે 3 બાબતો ઉપર હશે.
પહેલું કામ પ્રિવેન્ટિવ સર્વેલન્સ છે. એટલે કે એવી વ્યવસ્થા ગોઠવાશે કે કોઇ સરકારી ખાનગી હોસ્પિટલ્સની ઓપીડીમાં ફુલ સિમ્ટમ્સ પેશન્ટ હોય તો તેમને વેળાસર શોધી કઢાશે. તે માટે બીજા સ્ટેજમાં દરેક ખાનગી હોસ્પિટલ્સ સાથે સંકલન કરી રોજેરોજના ડેટા મેળવી ફલુના લાઇટ અને સિવિયર મોડના પેશન્ટની વિગતો મેળવાશે. આ વિગતો મેળવ્યા બાદ દરેક આવા પેશન્ટ સુધી ત્રીજા તબક્કામાં ધન્વંતરી રથ દોડાવાશે. આ રથ પેશન્ટને સારવાર આપવા સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોની વિગતો એકઠી કરાશે. જેથી કોરોના પહેલા પેશન્ટ સુધી ઝડપથી પહોંચી શકાય.
સેકન્ડ પિકમાં પેશન્ટ સિવિયર થયા તે વખતે હોસ્પિટલ્સ સુધી પહોંચ્યા, પરંતુ આ વખતે એવું નહીં બને: કલેકટર
જિલ્લા કલેકટર આયુષ ઓકે કહ્યું હતું કે જિલ્લામાં કોરોનાના સેકન્ડ પિક વખતે એક બાબત ધ્યાન ઉપર આવી છે કે પેશન્ટ હોસ્પિટલાઇઝડ થાય તે વખતે તેની તબિયત નાજુક નહોતી. આવા કેસમાં પેશન્ટ હોસ્પિટલ્સ સુધી મોડા પહોંચ્યા હશે કે બહાર આમતેમ સારવાર કરાવી હશે. જેના કારણે પેશન્ટને બચાવી શકવા પણ મુશ્કેલ પડ્યા હતા. જેથી હવે કોરોનાની થર્ડવેવ પહેલા તંત્ર સજજ કરી કેસ અને ચેપ ઘટે તેમજ મરણ પણ અટકાવી શકાશે.