સુરત: સુરત (Surat)માં પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ (Dr. Abdul kalam)ની હાજરી સમયે જ ક્રાઇમ બ્રાન્ચે (Surat crime branch) બોમ્બ (Bomb) બનાવવાના સામાન સાથે પકડી પાડેલા ચાર આરોપી તેમજ તેમને સોપારી આપનાર બીજા ત્રણ મળી કુલ સાતેય આરોપીને કોર્ટે નિર્દોષ (Innocent) છોડી મૂકતો હુકમ કર્યો હતો. જમીનની માથાકૂટમાં બોમ્બ બનાવવાની મૂળ જમીન માલિકને સોપારી આપવામાં આવી હતી.
આ કેસની વિગત મુજબ સને-2003માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ સુરતમાં અઠવાલાઇન્સ ઉપર ઇનડોર સ્ટેડિયમમાં આવ્યા હતા. તેમની હાજરી પ્રસંગે જ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ક્રાઇમ બ્રાન્ચે ઘોડદોડ રોડ ઉપર વૃંદાવન પાર્કમાં આવેલી અજિત પાર્ક સોસાયટીના બિલ્ડિંગ નંબર-ડીમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ થઇ રહી છે. પોલીસે અહીંથી તામીલનાડુમાં રહેતા સેલ્વરાજ ઉર્ફે સેલુ પચ્ચપન કેવેન્ડર, અડાજણમાં રિવર પેલેસમાં રહેતા સંદીપ ગણેશભાઇ સોલંકી, તમિલનાડુમાં રહેતા વિજય ઉર્ફે વિજય તોરઇસ્વામી આદીડ્રાવીડર અને સન્મુગ સુન્દરમ શ્રીનિવાસન કાઉન્ડરને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો હતો. તેમની પૂછપરછમાં જમીન બાબતે તેમને રમેશ હીરાલાલ કાપડિયા, ઋષભ રાજમલભાઇ શાહ તેમજ કરણસિંહ પ્રતાપસિંહ સોલંકી નામના આરોપીઓએ સોપારી આપી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસની પૂછપરછ દરમિયાન રમેશ કાપડિયા અને ઋષભ શાહને જમીન બાબતે માથાકૂટ ચાલી રહી હતી. જેની સાથે માથાકૂટ ચાલતી હતી તે પણ માથાભારે ઇસમ હતો અને રિવોલ્વરથી ડરે તેમ ન હતો. બીજી તરફ આ તમામે જમીનની સોપારી આપી બોમ્બ વડે ફરિયાદીને ડરાવવા માટે પ્લાન બનાવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં તમામ આરોપીઓ તરફે ધર્મેન્દ્ર માટલીવાલા, કલ્પેશ દેસાઇ અને મિનેષ ઝવેરી તેમજ અફરફ ગાજીયાની દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ તમામને નિર્દોષ છોડી મૂકતો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ ટ્રાયલ દરમિયાન સંદીપ સોલંકીનું અવસાન થયું હતું. જ્યારે વિજય આદીડ્રાવીડર ભાગી છૂટ્યો હતો. તેની સામે વોરંટ પણ ઇશ્યુ કરાયો હતો. હાલ તેની પૂરતો કેસ ચાલી રાખી બીજા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.
ઉગત ગામની જગ્યાના વિવાદમાં સોપારી અપાઈ હતી
પોલીસ તપાસમાં ઉન ગ્રામ પંચાયતના રે.સરવે નં.133, 137, 139, બ્લોક નં.180 વાળી જમીનનો વિવાદ ચાલતો હતો. કબેજદાર બાબુલાલ ધરમચંદ શાહને મોતનો ભય બતાવી જમીન ખાલી કરવી નાંખવા માટે રમેશ હીરાલાલ કાપડીયાએ ઋષભ શાહ અને કરણસિંહ સોલંકી મારફતે સોપારી આપી હતી. આ ત્રણેયે સેલ્વરાજ, સંદીપ, વિજય અને સન્મુગને રૂ.1.60 કરોડ આપવાનું કહ્યું હતું. આ માટે દક્ષિણ ભારતમાંથી બોમ્બનો સામાન લાવી તેનાથી ફરિયાદી બાબુલાલને ધમકાવવાનો પ્લાન બનાવ્યો હતો.