સુરત: આગામી બીજી ઓક્ટોબર ને રવિવારે મહાત્મા ગાંધીની જયંતીના દિવસે સુરતના (Surat) હીરા ઉદ્યોગમાં કામ કરતા હજારો રત્નકલાકારોના અધિકારો માટે ગુજરાત (Gujarat) ડાયમંડ વર્કર (Diamond Worker) યુનિયને 14 માંગણી સાથે રેલીનું આયોજન કર્યું છે. આ રેલીને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે. એવી જ રીતે કોંગ્રેસ પક્ષ વતી રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે અને સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા રેલીને સમર્થન આપવા અને કોંગ્રેસના કાર્યકરોને આ રેલીમાં જોડાઈ રત્નકલાકારોને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે.
રેલીમાં જોડાવા મજૂર અધિકાર મંચ સહિતનાં સામાજિક સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રેલીને સફળ બનાવવા અને મોટી સંખ્યામાં રત્નકલાકારોને લાવવા વરાછા, કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે, જેમાં રત્નકલાકારોને સ્પર્શતા 14 મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જિલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, રેલી 2 ઓક્ટોબરે 11 કલાકે કતારગામ દરવાજાથી શરૂ થઇ અને સાંજે 7 કલાકે હીરાબાગ સર્કલ ખાતે મહા સંમેલનમાં પરિણમશે.
રેલી કતારગામ દરવાજાથી ગોતાલાવાડી, નંદુ ડોશીની વાડી, ગજેરા સર્કલ, ભવાની સર્કલ, દેવજીનગર, ઉમિયાધામ, સવાણી, મીનીબજાર, માતાવાડી, મોહનનગર, બરોડા થઈને હીરાબાગ સર્કલ પહોંચશે. લોકોને અગવડ ન પડે એ માટે જાહેર રજાના દિવસે રેલીનું આયોજન કરાયું છે. હીરાઉદ્યોગને વિદેશી હાથમાં જતો અટકાવવા, રત્નકલાકારોને મજૂર કાયદા હેઠળ લાભો આપવા, દિવાળી બોનસ, મોંઘવારી પ્રમાણે પગાર વધારો, આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ, બેરોજગાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ, રત્નકલાકારો પાસેથી લેવાતો વ્યવસાય વેરો તાત્કાલિક નાબૂદ કરવા સહિતની 14 માંગણીને લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.