SURAT

13 વર્ષથી એક જ ઓરડીમાં જીવન જીવતાં 75 વર્ષનાં વૃદ્ધા નિર્વસ્ત્ર હાલતમાં મળ્યાં: સાથી સેવા ગ્રુપે ફરી માનવતા મહેકાવી

સુરત: (Surat) સામાજિક સંસ્થા સાથી સેવા ગ્રુપની (Sathi Seva Group) ટીમે માનવતા મહેકાવતું કાર્ય કર્યું છે. એક જ ઓરડીમાં છેલ્લાં 13 વર્ષથી એકલવાયું જીવન જીવતાં 75 વર્ષનાં વૃદ્ધા (Old Woman) નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યાં હતાં. વૃદ્ધાના પરિવારજનોએ સ્વીકારવાનો ઇન્કાર કરતાં સુરતના કામરેજ (Kamrej) તાલુકા ધોરણ પારડી સ્થિતના રસ્તા પર રખડતા ભટકતા શારીરિક અને માનસિક વિકલાંગ લોકોની દેખરેખ રાખતી સંસ્થા માનવ સેવા ચેરિટેબલ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર આશ્રમે આશરો આપી માનવતા દાખવી છે.

ગત સોમવારે રાજકોટની સાથી સેવા ગ્રુપની ટીમ સાંજના સમયે જામનગર સ્થિત ધ્રોલ પહોંચી હતી. જ્યાં એક જ ઓરડીમાં છેલ્લાં 13 વર્ષથી એકલવાયું જીવન જીવતાં 75 વર્ષીય વૃદ્ધા કંચનબેન મગનભાઇ પીપળિયા નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યાં હતાં. સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓએ ઓરડીમાંથી બહાર કાઢ્યા તો તેમના વાળ 8 ફૂટ જેટલા વધી ગયા હોવાનું જોવા મળ્યું હતું. વૃદ્ધાને બહાર કાઢી પહેલા તો ભજિયાં ખવડાવી તેમના વાળ કાપવામાં આવ્યા હતા. તેમજ નવડાવી નવાં વસ્ત્રો પહેરાવ્યાં હતાં.

સાથી ગ્રુપનાં જલ્પાબેને કંચનબેનના ભત્રીજાનો ફોનમાં સંપર્ક કરતાં પરિવારજનોએ તેમને સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. આથી જલ્પાબેને પારડી-સુરત માનવ મંદિર આશ્રમનો સંપર્ક કરતાં અહીં મોકલી દેવા જણાવ્યું હતું. બાદ સાથી સેવા ગ્રુપે તેમને મંગળવારે સુરત આશ્રમે મોકલી દીધાં હતાં. માનવ મંદિર સંસ્થાના સંચાલક જેરામ ભગતે જણાવ્યું હતું કે, સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેને કંચનબેનને સુરત અમારા આશ્રમમાં મોક્લ્યાં છે. કંચનબેન અપરિણીત હોવાથી એક જ ઓરડીમાં એકલવાયું જીવન જીવતા હોવાનું જાણવા મળ્યું છે.

આજુબાજુના લોકો તેમને નાસ્તો અને જમવાનું આપતા હતા. તેમની સારવાર થાય અને ત્રણ ટાઈમ ભોજન મળી રહે એ માટે રાજકોટની સાથી સેવા ગ્રુપે સુરત માનવ મંદિર આશ્રમ ખાતે મોકલ્યાં હતાં. કંચનબેનના પગ લાંબા સમયથી વળેલા હોવાથી સીધા થતા નથી. અમારી સંસ્થાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ કરી આવા લોકો તમારા ધ્યાનમાં આવે તો અહીં મોકલી દેવા વિનંતી કરી છે. તેમજ આવા લોકો માટે માનવ મંદિર આશ્રમના દરવાજા અડધી રાતે ખુલ્લા છે.

જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ રાજકોટના કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કાઢ્યા હતા. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top