નવી દિલ્હી: શંભુ બોર્ડર (Shambhu border) ખોલવાને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયાની અંદર શંભુ બોર્ડરને આંશિક રીતે એટલેકે હાઇ વેની એક લેન ખોલવાનો આદેશ આપ્યો હતો. ત્યારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘હાઈવે (Highway) પાર્કિંગની જગ્યા નથી.’
સુનાવણી બાદ પોતાનો આદેશ સંભળાવતા સુપ્રીમે જણાવ્યું હતું કે હરિયાણા સરકાર એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ, ઈમરજન્સી સેવાઓ અને સ્થાનિક લોકો માટે હાઈવેની એક લેન ખોલી શકે છે. જેથી સામાન્ય જન જીવનને સરળ બનાવી શકાય. સુપ્રીમ કોર્ટે ડીજીપી પંજાબ અને ડીજીપી હરિયાણા તેમજ અંબાલા અને પટિયાલા જિલ્લાના પોલીસ વડાઓને એક અઠવાડિયાની અંદર બેઠક યોજવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે અમે આ મામલાને પેન્ડિંગ રાખીએ છીએ. ખેડૂતોએ એવું પણ ન અનુભવવું જોઈએ કે તેઓ એકલા પડી ગયા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત માટે રચવામાં આવનારી પેનલની શરતો પર ટૂંકમાં આદેશ આપવામાં આવશે.
આર્બિટ્રેશન કમિટીના સભ્યોના નામ આપ્યા
હકીકતમાં હરિયાણા સરકારે શંભુ બોર્ડર ખોલવા અંગેના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે સરકારની આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસની આગામી સુનાવણી 21 ઓગસ્ટે થશે. તેમજ પંજાબ અને હરિયાણાની સરકારોએ આંદોલનકારી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે નિષ્પક્ષ સમિતિના સભ્યોના નામ સુપ્રીમ કોર્ટને આપ્યા હતા. આ સમિતિના સભ્યો ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરશે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો દ્વારા સૂચવવામાં આવેલા નામો પર સંતોષ વ્યક્ત કર્યો છે.
સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને પહેલા જ ફટકાર લગાવી છે.
આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની બેંચ કરી રહી છે. ત્યારે હરિયાણા તરફથી એસજી તુષાર મહેતા અને પંજાબ તરફથી એજી ગુરમિંદર સિંઘે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને બોર્ડર બંધ રાખવા બદલ ઠપકો આપ્યો હતો. જણાવી દઈએ કે ખેડૂતો પાકના MSPને લઈને 2024થી શંભૂ બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર બંધ કરી દીધી હતી.