National

બાબા રામદેવ-બાલકૃષ્ણ સ્વામીને અવમાનના કેસમાં સુપ્રીમની રાહત, કેસ બંધ

નવી દિલ્હી: બાબા રામદેવ (Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણને (Acharya Balakrishna) ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અગાઉ બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી અને ભવિષ્યમાં ભ્રામક જાહેરાતો નહીં આપવાનું વચન આપ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) બંનેની માફી સ્વીકારી લીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ અવમાનના કેસને બંધ કરી દીધો છે.

અસલમાં વર્ષ 2022માં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા બાબા રામદેવ અને બાલકૃષ્ણ સ્વામીના પતંજલિ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં બાબા રામદેવની કંપની પતંજલિ પર કોવિડ વેક્સિન ડ્રાઈવ અને આધુનિક મેડિકલ સિસ્ટમને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે પતંજલિ તરફથી હાજર રહેલા એડવોકેટ ગૌતમ તાલુકદારે કહ્યું હતું કે રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા આપવામાં આવેલા બાંયધરીઓના આધારે કોર્ટે કેસ બંધ કર્યો છે. આ પહેલા 14 મેના રોજ સુપ્રીમ કોર્ટે તિરસ્કારની નોટિસ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

IMA પ્રમુખ પર સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું હતું
છેલ્લી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે IMA પ્રમુખ આરવી અશોકનને પૂછ્યું હતું કે શું પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં આપેલા તેમના નિવેદનો પર સુપ્રીમ કોર્ટમાં તેમની બિનશરતી માફી, તે તમામ અખબારોમાં પ્રકાશિત કરવામાં આવી હતી કે જેમાં તેમનો ઈન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો? વાસ્તવમાં, પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં અશોકને પતંજલિ આયુર્વેદ લિમિટેડની ભ્રામક જાહેરાતના મુદ્દાને લઈને સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે એસોસિએશન અને ખાનગી ડૉક્ટરોની પણ ટીકા કરી હતી. ત્યારે આ મામલે કોર્ટે કહ્યું હતું કે માફી અશોકન દ્વારા વ્યક્તિગત રીતે અખબારોમાં પ્રકાશિત થવી જોઈએ, IMA ના ભંડોળથી નહીં.

શું છે સમગ્ર મામલો?
પતંજલિ પર આરોપ હતો કે પતંજલિ આયુર્વેદ, જે હર્બલ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે, તે પોતાના ઉત્પાદનો દ્વારા ઘણી ગંભીર બીમારીઓનો ઈલાજ કરવાનો દાવો કરે છે. તે જ સમયે, પતંજલિ ઉપર આરોપ લગાવાયો હતો કે તે પોતાની જાહેરાતો દ્વારા આધુનિક તબીબી પ્રણાલીને નિશાન બનાવે છે. આ કેસમાં IMAએ પતંજલિ પર આધુનિક દવાને બદનામ કરવાનો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. આ કેસમાં તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે પાછળથી પતંજલિ આયુર્વેદ દ્વારા ભ્રામક જાહેરાતો અંગે બિનશરતી માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ હંમેશા કાયદા અને ન્યાયની ગરિમા જાળવી રાખવાની પ્રતિજ્ઞા લે છે.

Most Popular

To Top