ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે 12મા દિવસે પહોંચી ગયું છે. બંને પક્ષો એકબીજા પર સતત મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ અને હિંસા વધતી જઈ રહી છે. આ સંઘર્ષની અસર વૈશ્વિક બજારો પર પણ પડી છે અને તેલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ દરમિયાન અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ઈરાનના ખાણકામ કરતા જહાજોને નિશાન બનાવીને જોરદાર હુમલો કર્યો હોવાનું જણાવાયું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (પેન્ટાગોન) મુજબ યુદ્ધ દરમિયાન થયેલા હુમલાઓમાં આશરે 140 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, જ્યારે અગાઉ સાત અમેરિકન સૈનિકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. બીજી તરફ, ઈઝરાયલે ઈરાન અને લેબનોનમાં વધુ મિસાઈલ હુમલા કર્યા છે. ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું છે કે તે બેરુતના દક્ષિણ વિસ્તારમાં હિઝબુલ્લાહના માળખાને નિશાન બનાવી રહ્યું છે.
શું ઈરાનના નવા સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેનાઈ ઘાયલ છે? આ કટોકટીના સમયમાં તેઓ દેશ માટે કેમ ઉભા નથી? આ બધા પ્રશ્નો દરમિયાન ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનાઈના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ઈરાની રાષ્ટ્રપતિના પુત્ર યુસુફ પેઝેશ્કિયાને દાવો કર્યો છે કે મોજતબા ખામેનાઈ સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ છે. ઈરાનના સરકારી ટેલિવિઝન દ્વારા 56 વર્ષીય મોજતબા ખામેનાઈને “રમઝાન યુદ્ધના ઘાયલ યોદ્ધા” તરીકે સંબોધવામાં આવ્યા હતા, પરંતુ તેમની ઈજાની વિગત જાહેર કરવામાં આવી નહોતી. તેમના સ્વાસ્થ્ય અંગેની ચર્ચાઓ એ કારણે પણ તેજ થઈ હતી કે તેઓ ચાર દિવસ પહેલા તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનાઈના અવસાન બાદ સુપ્રીમ લીડર બન્યા પછીથી જાહેરમાં દેખાયા નથી. કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાના પ્રથમ દિવસે મોજતબા ખામેનીને ઈજા પહોંચી હોવાની પણ વાત સામે આવી હતી. જોકે, તેમના સ્વાસ્થ્ય અંગે હવે ઈરાની નેતૃત્વ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે.