સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) મુદ્દે દેશમાં ફરી એકવાર ચર્ચા તેજ બની છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. કોર્ટે વર્ષ 1937ના શરિયા કાયદાની કેટલીક જોગવાઈઓનો ઉલ્લેખ કરીને મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવના મુદ્દે દાખલ અરજી પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે સુનાવણી દરમિયાન જણાવ્યું કે જો અદાલત શરિયા વારસાગત કાયદાને રદ કરે તો કાનૂની ખાલી જગ્યા (લેગલ વેક્યુમ) ઊભી થઈ શકે છે, કારણ કે હાલમાં મુસ્લિમ વારસાગત વ્યવસ્થાને માર્ગદર્શન આપતો કોઈ અલગ બંધારણીય કાયદો ઉપલબ્ધ નથી.
અરજદાર પક્ષના વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે સુધારાના ઉત્સાહમાં એવી સ્થિતિ ઊભી ન થાય કે મુસ્લિમ મહિલાઓને હાલ મળતા અધિકારો કરતાં ઓછા અધિકારો મળે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો 1937નો શરિયા કાયદો રદ થઈ જાય તો પછી વારસાગત વ્યવસ્થા કયા કાયદા હેઠળ ચાલશે? આ દરમિયાન જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ જણાવ્યું કે ભેદભાવનો મુદ્દો મજબૂત છે, પરંતુ શું આ વિષય વિધાનસભાના વિવેક પર છોડવો યોગ્ય નહીં રહે? કારણ કે બંધારણના નીતિનિર્દેશક તત્ત્વો (DPSP) મુજબ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સત્તા સરકાર પાસે છે. જસ્ટિસ સૂર્યકાંતે પણ ટિપ્પણી કરી કે આ પ્રશ્નનો એક સંભવિત જવાબ યુનિફોર્મ સિવિલ કોડ હોઈ શકે છે. જસ્ટિસ બાગચીએ વધુમાં કહ્યું કે “એક પુરુષ, એક પત્ની” નો નિયમ હાલમાં તમામ સમુદાયો પર સમાન રીતે લાગુ પડતો નથી. આ કેસ દરમિયાન રજૂ થયેલી દલીલો અને કોર્ટની ટિપ્પણીઓ બાદ ફરી એકવાર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચા અને રાજકીય-સામાજિક ચર્ચા તેજ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.