દેશમાં હાલમાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને તેમાં રાજકીય ગરમાગરમી થઈ રહી છે. એક તરફ શુક્રવારે સેન્સેક્સ પણ ધડામ દઈને પડી ગયો. બીજી તરફ ગમે ત્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આટલીબધી માથાકૂટની વચ્ચે દેશમાં 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે રાહતના એ સમાચાર છે કે હવે નીટની ફરી પરીક્ષા આ વર્ષે લેવાશે નહીં. આ તમામ વિદ્યાર્થીઓ એક વખત નીટની પરીક્ષા આપ્યા બાદ પેપરલીક કૌભાંડને કારણે સતત અસમંજસમાં હતા કે ગમે ત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોઈ અલગ જ નિર્ણય આવશે કે કેમ?
સુપ્રીમ કોર્ટે આજે પોતાના નિર્ણયમાં કહી દીધું છે કે નીટ યુજીમાં પેપર લીક થયું તે મોટાપાયે થયું નથી અને તેને કારણે હવે નીટની પરીક્ષા ફરી લેવાની માંગણી નકારી કાઢવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે પેપરલીકની અસર હજારીબાગ અને પટના સુધી જ મર્યાદિત છે. હવે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થતું રોકવા માટે સ્ટોરેજ માટે એસઓપી તૈયાર કરવાની જવાબદારી હવે સરકાર અને એનટીએની છે.
સુપ્રીમ કોર્ટે નીટ પેપર લીક, ખોટા પ્રશ્નપત્ર્નું વિતરણ તેમજ ફીઝિક્સના પેપરમાં જે તે પ્રશ્નના ખોટા વિકલ્પ મામલે એનટીએની ભારે ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહ્યું કે એનટીએએ પોતાના નિર્ણયો વારંવાર બદલવા જોઈએ નહીં. આ એક કેન્દ્રીય સંસ્થા માટે સારૂં લાગતું નથી. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતીએ એનટીએ સાથે મળીને એવો રસ્તો કાઢવો જોઈએ કે જેથી પેપર બનાવવાથી માંડીને તેની તપાસ કરવા સુધીની તમામ પ્રક્રિયા પર ચોક્કસ નજર રાખી શકાય.
સાથે સાથે પ્રશ્નપત્રોનો સંગ્રહ તેમજ જાળવણી માટે ચોક્કસ એસઓપી પણ હોવી જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, ઓપન ઈ-રિક્ષાને બદલે ઈલેકટ્રોનિક લોક સિસ્ટમ સાથે બંધ વાહનમાં પેપર મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. સમિતી વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય સહાયતા કાર્યક્રમો માટેની યોજના માટે પણ ભલામણ કરશે. વિદ્યાર્થીઓ પર થતી માનસિક અસરનું પણ મૂલ્યાંકન કરાશે. સાથે સાથે કમિટી એનટીએના સભ્યો સહિત તમામને પરીક્ષાની અખંડિતતા જળવાયેલી રહે તે માટે તાલીમ આપવાની શક્યતા પર પણ વિચારશે.
જોવા જેવું છે કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં નીટની પરીક્ષા ફરી લેવી જોઈએ અને ફરી નહીં લેવી જોઈએ, તે બંને મુદ્દે પિટિશનો કરવામાં આવી હતી. સાથે સાથે નીટના પેપરલીકમાં પણ તપાસ કરવા માટેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયને પગલે આ વર્ષે નીટ યુજીની પરીક્ષા ફરી લેવાવાની વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને નીટની પરીક્ષા આપનારા 23 લાખ વિદ્યાર્થીઓની મુક્તિ થઈ ગઈ છે. આ નિર્ણય સાથે જ હવે દેશભરમાં એમબીબીએસમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ભારે જોરમાં ચાલી શકશે.
જેમ જેમ સમય વીતે છે તેમ તેમ નીટની પરીક્ષા આપનારા અને એમબીબીએસમાં પ્રવેશ મેળવી શકે તેવા વિદ્યાર્થીઓનો સમય બગડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે તો પોતાનો ચુકાદો આપી દીધો પરંતુ હવે એનટીએ અને સરકારની એ જવાબદારી બને છે કે ભવિષ્યમાં કોઈપણ રીતે નીટ યુજીના પેપરલીકની ઘટના ના બને. નીટની પરીક્ષામાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી રહે છે ત્યારે જો હવે પેપરલીકની ઘટના બનશે તો એનટીએ અને સરકારની ઈમેજ ધૂળમાં મળી જશે તે ચોક્કસ છે.