જેની સામે ગુનો દાખલ થાય તેના ઘરને બુલડોઝર દ્વારા તોડી પાડવાની નવી રીતરસમ હાલમાં દેશમાં શરૂ થઈ છે. જો કોઈનું બાંધકામ ગેરકાયદે હોય તો તેનું ડિમોલિશન કરવું જ જોઈએ પરંતુ કોઈ વ્યક્તિ કોઈ એક કેસમાં આરોપી હોય કે પછી દોષિત હોય, પણ તેના ઘરને સીધું તોડી પાડવું તે ન્યાયની વિરૂદ્ધ છે. દેશમાં યુપીમાં યોગી સરકારે કરેલી શરૂઆત બાદ અન્ય રાજ્યોએ પણ તેને અપનાવી લેતાં સુપ્રીમ કોર્ટે હવે તેની સામે લાલ આંખ કરી છે. બુલડોઝર દ્વારા ન્યાય કરવાની રાજ્ય સરકારોની રીતરસમ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. નાવી એવી તાકીદ કરી છે કે કોઈપણ પરિવાર માટે ઘરનું માલિકીનું સપનું હોય છે અને તે વર્ષોની મહેનત બાદ બને છે. કોઈનું ઘર એટલા માટે તોડી શકાય નહીં કે તે કોઈ કેસમાં આરોપી કે દોષિત છે. વહીવટીતંત્ર ક્યારેય ન્યાયાધીશ બની શકે નહીં.
બદલો લેવા માટે બુલડોઝરની કાર્યવાહી કરી શકાય નહીં. કોર્ટે એવું કહ્યું હતું કે ઘર એ મૂળભૂત અધિકાર છે અને નિયમોનું પાલન કર્યા વિના તેને છીનવી શકાય નહીં. આવા કેસમાં મનસ્વી કાર્યવાહીને બદલે નિયમોનું પાલન થવું જોઈએ. સરકારમાં જનતાનો વિશ્વાસ ત્યારે જ રહે છે કે તે લોકો પ્રત્યે કેટલી જવાબદાર છે અને તેમના અધિકારોનું કેટલું રક્ષણ કરે છે? લોકોની મિલકતો પણ સુરક્ષિત રહેવી જોઈએ. કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના બુલડોઝરની કાર્યવાહી કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને બુલડોઝરની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તે માટે સમગ્ર દેશ માટે એક માર્ગદર્શિકા પણ નક્કી કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈની પણ મિલકત લેખિત સૂચના આપ્યા વિના તોડી શકાય નહીં. ઓછામાં ઓછા 15 દિવસ પહેલા આ નોટિસ આપવી જોઈએ અને આ નોટિસ પણ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવી જોઈએ. સંબંધિત બિલ્ડિંગ પર પણ આ નોટિસ ચોંટાડવી જોઈએ. નોટિસમાં એ જણાવવાનું રહે છે કે શા માટે આ બિલ્ડિંગ તોડવામાં આવી રહી છે. આ કાર્યવાહીને કઈ રીતે રોકી શકાય તેની વિગતો પણ નોટિસમાં જણાવવાની રહેશે. મિલકત તોડતા પહેલા જે તે માલિકની વ્યક્તિગત સુનાવણી પણ કરવાની રહેશે. અધિકારીઓએ આદેશ અંગે મૌખિક માહિતી પણ આપવાની રહેશે.
બુલડોઝરથી જ્યારે મિલકત તોડવામાં આવે ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરવાની રહેશે. જેથી કોર્ટની માર્ગદર્શિકાનું પાલન થયું છે કે તેના પુરાવા રજૂ કરી શકાય. દરેક જિલ્લામાં કલેકટરે એ જોવાનું રહેશે કે બુલડોઝરની કાર્યવાહી તમામ નિયમો આધારીત થાય છે કે કેમ? કલેકટરે જ નક્કી કરવાનું છે કે જે ઈમારતો ગેરકાયદે છે તેને જ તોડી પાડવામાં આવે અને તેમાં પણ નિયમોનું પાલન કરવામાં આવે.
નિયમોનું પાલન કર્યા વિના મકાનો કે બિલ્ડિંગ તોડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં કોર્ટના અવમાનનાની કાર્યવાહી પણ થઈ શકે છે. દંડ પણ થઈ શકે છે. મિલકતને તોડી પાડવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ પણ સત્તાવાળાઓ પાસેથી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, કોઈપણ ગેરકાયદે બાંધકામ તોડવામાં પક્ષપાત કરવો જોઈએ નહીં. આરોપી અથવા તેના સમુદાયની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી જોઈએ નહીં. કોઈપણ આરોપીના બંધારણીય અધિકારોનું પણ ઉલ્લંઘન થવું જોઈએ નહીં. વહીવટીતંત્ર કોઈને પણ બારોબાર દોષિત ઠેરવી શકે નહીં અને તેના આધારે મકાન તોડી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે જે રીતે પસ્તાળ પાડી છે તેને પગલે હવે જે તે રાજ્ય સરકારો બારોબાર બુલડોઝરો ચલાવી શકશે નહીં. જે તે વહીવટીતંત્રએ આ માટેની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ખરેખર રાજ્ય સરકારો દ્વારા જે બુલડોઝરથી બિલ્ડિંગો તોડવાની પ્રથા અમલમાં મુકવામાં આવી હતી તે ખોટી હતી. ક્યારેય સરકાર આ રીતે ડિમોલિશન કરી શકે નહીં. આરોપી ચાહે કોઈપણ કોમનો હોય કે જાતિનો હોય, પરંતુ સરકારે તે આરોપી કે દોષિતને ધ્યાનમાં લીધા વિના ન્યાયિક કાર્યવાહી કરીને જ ડિમોલિશનની કાર્યવાહી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા લગાડવામાં આવેલી ફટકાર અનેક રીતે સુચક છે. સરકારોએ હવે ધ્યાન રાખવું પડશે તે નક્કી છે.