નવી દિલ્હી : સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત ત્રણ નવા વિવાદિત કૃષિ કાયદાઓ અંગે અભ્યાસ કરતી સમિતિએ 19 માર્ચે સીલબંધ કવરમાં પોતાનો અહેવાલ સુપ્રીમ કૉર્ટ સમક્ષ રજૂ કર્યો છે. એમ તેમના સભ્યોમાંથી એકે બુધવારે જણાવ્યું હતું.
છેલ્લાં પાંચ મહિનાથી નવી દિલ્હી સરહદ પર ખેડૂતો ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવા માટે વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કૉર્ટે 11 જાન્યુઆરીએ ત્રણેય કાયદાના અમલના આદેશો સ્થગિત કર્યા હતા અને વિવાદના નિરાકરણ માટે ચાર સભ્યોની પેનલની નિમણૂક કરી હતી.
કમિટીને કાયદાઓનો અભ્યાસ કરવા અને તમામ હોદ્દેદારોની સલાહ લેવા માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
સમિતિના એક સભ્ય પી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, અમે સીલબંધ કવરમાં 19 માર્ચે રિપોર્ટ રજૂ કર્યો હતો. હવે, કૉર્ટ આગામી કાર્યવાહીનો નિર્ણય લેશે. સમિતિની સત્તાવાર વેબસાઇટ મુજબ પેનલ દ્વારા ખેડૂત ગ્રૂપ, ખેડૂત-ઉત્પાદક સંગઠનો (એફપીઓ) ખરીદ એજન્સીઓ, વ્યાવસાયિકો, શિક્ષણવિદો, ખાનગી અને રાજ્યના કૃષિ માર્કેટિંગ બૉર્ડ સહિતના વિવિધ હોદ્દેદારો સાથે કુલ 12 રાઉન્ડના પરામર્શ યોજાયા હતા. રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પેનલે નવ આંતરિક બેઠકો પણ કરી હતી.
ફૂડ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં લાવવામાં આવ્યા છે, તે અલગ મુદ્દો છે કે કેટલાક લોકોએ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે અને નકારાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, દેશભરના ખેડૂતો હવે સમજી ગયા છે કે નવા કૃષિ કાયદાઓ હાલની મંડીઓની વ્યવસ્થાને છીનવી લેતા નથી. તે વધુ માર્કેટિંગ વિકલ્પો પૂરા પાડે છે.
ખડૂતોની સંસદ સુધી જવાની તૈયારી
સંયુક્ત કિસાન મોરચાએ બુધવારે નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે આગામી બે મહિનાની અનેક યોજનાઓની ઘોષણા કરી હતી. જેમાં મે મહિનામાં સંસદ તરફની સૂચિત પદયાત્રા સામેલ છે. સંયુક્ત કિસાન મોરચા ગઈકાલે મળ્યા હતા અને નિર્ણય લીધો હતો કે, મેના પહેલા પખવાડિયામાં ખેડૂતો સંસદ તરફ કૂચ કરશે. પરંતુ, આ કૂચની તારીખ નક્કી થવાની બાકી છે.
ખેડૂત નેતા ગુરનમસિંહ ચદુનીએ જણાવ્યું હતું કે, જેમાં માત્ર ખેડૂતો જ નહીં, મહિલાઓ, બેરોજગાર વ્યક્તિઓ અને આંદોલનને સમર્થન કરતાં મજૂરો પણ જોડાશે. તેમણે કહ્યું હતું કે, આ પદયાત્રા ‘શાંતિપૂર્ણ’ રીતે કરવામાં આવશે અને ખાસ ધ્યાન રાખવામાં આવશે કે 26 જાન્યુઆરી જેવો બનાવ ફરી ન બને. આ કૂચ દરમિયાન પોલીસ કાર્યવાહી થાય તો વિરોધ કરનારાઓને શું કરવું તે જણાવવા માટે અમે એક સમિતિ બનાવવાની યોજના પણ શેર કરી હતી. એક ખેડૂત નેતાએ કહ્યું કે, તેમાથી સ્પષ્ટ થઈ જશે કે એસકેએમ દરેક પ્રકારની હિંસાની નિંદા કરે છે. જેથી વિરોધીઓને જાણ થઈ જશે કે તેમણે દ્વારા કોઈ સંપત્તિને નુકસાન થશે તો તેમને દંડ ભરવો પડશે.
આ ઉપરાંત, ખેડૂત નેતાઓએ 10 એપ્રિલે કુંડલી-માનેસર-પલવાલ એક્સપ્રેસ વેને 24 કલાક બંધ રાખવાની યોજના જાહેર કરી હતી. કૃષિ કાયદાના વિરોધમાં જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ 6 મેના રોજ યોજવામાં આવશે. આ ઉપરાંત, 5 એપ્રિલે ‘એફસીઆઇ (ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા) બચાવો દિવસ’, 14 એપ્રિલે ‘સંવિધાન બચાવો દિવસ’ અને 1 મેના રોજ ‘મજૂર દિવસ’ની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.