National

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ કડકઃ ટોલ બૂથ બંધ કરવા આદેશ

દિલ્હી–NCRમાં સતત વધતા હવા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ને દિલ્હીમાં આવેલા નવ ટોલ કલેક્શન બૂથને સ્થાનાંતરિત કરવાની સંભાવનાઓ પર ગંભીરતાથી વિચાર કરવા આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ટોલ પ્લાઝા પર લાંબા સમય સુધી લાગતા ટ્રાફિક જામ પ્રદૂષણ વધારવાનું એક મોટું કારણ બની રહ્યું છે. કોર્ટે સલાહ આપી કે ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે આ ટોલ બૂથને NHAIના નિયંત્રણવાળા વિસ્તારોમાં ખસેડવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) અને MCDને નોટિસ પણ જારી કરી છે.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંતએ કડક સવાલ ઉઠાવતા કહ્યું કે “શા માટે શારીરિક રીતે ટોલ વસૂલવો જરૂરી છે? ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ ટાળવા માટે તમે શું પગલાં લેશો? તમે બે મહિના માટે ટોલ બૂથ કેમ બંધ ન કરી શકો?” તેમના આ નિવેદનથી કોર્ટની અંદરનો માહોલ ગરમાયો હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હી–NCRમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અગાઉ દિલ્હીના કેબિનેટ મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી હતી કે GRAP-3 લાગુ થતા તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં કામ ઘરેથી જ (વર્ક ફ્રોમ હોમ) કરવાનું ફરજિયાત બનશે. સાથે જ શ્રમ વિભાગે નિર્ણય લીધો છે કે બાંધકામ બંધ થવાથી અસરગ્રસ્ત નોંધાયેલા મજૂરોના ખાતામાં રૂ 10,000 જમા કરાશે.

સુપ્રીમ કોર્ટના આ સૂચનો બાદ હવે MCD અને NHAI શું નિર્ણય લે છે. તેના પર દિલ્હી–NCRની હવા ગુણવત્તાનો આગામી દિશા નિર્ધારિત થશે.

Most Popular

To Top