નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) પતંજલિ (Patanjali) ભ્રામક જાહેરાત કેસમાં અવમાનનાની અરજી પર પોતાનો નિર્ણય (Decision) સુરક્ષીત રાખ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપતા વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી હતી. સુપ્રીમ કોર્ટે પતંજલિને એફિડેવિટ (Affidavit) દાખલ કરવા માટે પણ સમય આપ્યો હતો.
કોર્ટના જણાવ્યા મુજબ એફિડેવિટમાં પતંજલિએ સમજાવવાનું રહેશે કે પતંજલિની ભ્રામક જાહેરાતો અને જે દવાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે પાછી ખેંચવા માટે પતંજલિ૫ શું પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની બંચે કાર્યવાહી દરમિયાન કહ્યુ, ‘અમારો હેતુ માત્ર એટલો જ છે કે લોકો સતર્ક રહે. લોકોને બાબા રામદેવમાં વિશ્વાસ છે. તેમણે આ વિશ્વાસનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ.
પતંજલિ પાસેથી માંગવામાં આવ્યો જવાબ
આ સાથે જ સુપ્રીમ કોર્ટે પતંજલિને જે દવાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને રોકવા અને તેને પરત લાવવા માટે તેના દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ અંગે ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. તેમજ આ કેસમાં સુપ્રીમ કોર્ટે IMA પ્રમુખ અશોકનને ઠપકો આપ્યો અને કહ્યું કે તમે આવા શબ્દોનો ઉપયોગ કેમ કર્યો? તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે તે જ કર્યું જે અન્ય પક્ષે કર્યું.
શું છે IMA પ્રમુખ અશોકનનો મામલો?
અસલમાં અગાવ પતંજલિ કેસમાં જ IMAએ પોતાનીની અરજીમાં કહ્યું હતું કે પતંજલિએ કોવિડ રસીકરણ અને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે પતંજલિ ભ્રામક દાવા કરીને દેશ સાથે છેતરપિંડી કરી રહી છે કે તેની દવાઓ કેટલાક રોગોને ઠીક કરશે, જ્યારે આ માટે કોઈ નક્કર પુરાવા નથી.
જો કે કોર્ટના આદેશ છતાં પતંજલિ દ્વારા પ્રિન્ટ મીડિયામાં કથિત ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાહેરાતોના પ્રકાશન બાદ 3 જાન્યુઆરી, 2024 ના રોજ થયેલ સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ વિરુદ્ધ અવમાનના પગલાં લેવા માટે નોટિસ પાઠવી હતી.
ત્યાર બાદ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે 7 મેના રોજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, જો લોકોને અસર કરતી કોઈપણ પ્રોડક્ટ અથવા સેવાની જાહેરાત ગેરમાર્ગે દોરનારી હોવાનું જણાય છે, તો તે સેવા અથવા જાહેરાતમાં શામેલ સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પણ સમાન રીતે જવાબદાર ગણવામાં આવશે.
કોર્ટના આ નિવેદન અને ચુકાદા બાદ IMAના પ્રમુખ ડૉ. આરવી અશોકને કોર્ટની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. ડૉ. અશોકને કહ્યું હતું- સુપ્રીમ કોર્ટનાં અસ્પષ્ટ નિવેદનોએ ખાનગી ડૉક્ટરોનું મનોબળ નીચું કર્યું છે. કોર્ટે અશોકના નિવેદનો પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને તેમને નોટિસ પાઠવી હતી અને 14 મે સુધીમાં જવાબ માંગ્યો હતો. આજે 14 મે ના રોજ સમગ્ર મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે IMA પ્રમુખ અશોકનને ઠપકો આપ્યો અને કહ્યું હતું કે તમે આવા શબ્દોનો ઉપયોગ કેમ કર્યો? તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે તે જ કર્યું જે અન્ય પક્ષે કર્યું.