National

NEET પરિક્ષા કૌભાંડની તપાસ CBIને સોંપવાની માંગ, સુપ્રીમે NTAને નોટીસ ફટકારી

નવી દિલ્હી: NEET પરીક્ષામાં (NEET Exam) ગેરરીતીના આરોપો સાથે ઘણા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આ અરજીની સુનાવણી ગઇકાલે ગુરુવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમે ગ્રેસિંગ માર્કસ (Grasping marks) હટાવવાના NTAના નિર્ણયને સમર્થન આપ્યુ હતું. NEET પરિક્ષાની અન્ય અરજી કે જેમાં પેપર લીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમજ આ મામલાની CBI તપાસની માંગ કરાઇ હતી. આ અરજીની આજે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

NEET પરીક્ષા કેસમાં CBI તપાસની માંગણી કરતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ સુપ્રીમ કોર્ટે આજની સુનાવણીમાં એ પણ સ્પષ્ટતા કરી હતી કે અમે ગ્રેસ માર્કિંગ મેળવનારા 1,563 વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા માટે કોઈ આદેશ આપ્યો નથી. NTA દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને તેમણે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. ત્યારે અરજદારે પેપર લીક મામલામાં નોંધાયેલી એફઆઈઆરનો હવાલો આપ્યો, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની આગામી સુનાવણી 8 જુલાઈએ થશે.

અરજીમાં ગોધરામાં આવેલી એક શાળાનો ઉલ્લેખ
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં NEET પરીક્ષામાં પેપર લીક મામલે CBI તપાસની માંગ કરવામાં આવી હતી. આ અરજીમાં મોટા પાયા પર પેપર લીકની ઘટનાનો હવાલો આપીને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે અપનાવવામાં આવતી યુક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, ઓડિશા, ઝારખંડ, ગુજરાત જેવા રાજ્યોના વિદ્યાર્થીઓએ NEET પરીક્ષા આપવા માટે ગુજરાતના ગોધરા ખાતે એક વિશેષ કેન્દ્ર પસંદ કર્યું હતું. આ વિદ્યાર્થીઓએ NEET પાસ કરવા અને ગોધરામાં આવેલી જય જલરામ સ્કૂલને તેમના કેન્દ્ર તરીકે પસંદ કરવા માટે રૂ. 10 લાખની લાંચ આપી હતી.

NTAએ સુપ્રીમ કોર્ટ પાસે આ માંગ કરી હતી
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દાખલ કરવામાં આવેલી ટ્રાન્સફર પિટિશન પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે દેશભરની હાઈકોર્ટમાં NEET પરીક્ષા 2024 વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ટ્રાન્સફર કરવામાં આવે અને તેની સુપ્રીમ કોર્ટમાં જ સુનાવણી કરવામાં આવે.

ત્યારે ગઇકાલે ગુરુવારે સુપ્રીમ કોર્ટે NEET સંબંધિત બીજી અરજી પર સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન જ એનટીએએ ગ્રેસ માર્કસ રદ કરવાની વાત કરી હતી, ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગ્રેસ માર્કસ મેળવનારા તમામ 1,563 બાળકોની ફરીથી તપાસ કરવામાં આવશે. હવે NTA દ્વારા 23મી જૂને ફરીથી NEETની પરીક્ષા લેવામાં આવશે, જેમાં આ 1,563 બાળકોનું પરિણામ 30મી જૂન સુધીમાં જાહેર થશે.

Most Popular

To Top