National

ફટાકડા પર પ્રતિબંધ શક્ય નથી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આજે તા.26 સપ્ટેમ્બરે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધના મુદ્દે મહત્ત્વની ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે દિલ્હી-NCR વિસ્તારમાં ફટાકડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવો શક્ય નથી. કોર્ટે કહ્યું કે ફટાકડા ઉત્પાદકોને કામ કરવાનો અધિકાર છે પરંતુ નાગરિકોને પણ શુદ્ધ હવા શ્વાસ લેવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે આજે ફટાકડાઓ પર પ્રતિબંધ સંબંધિત એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. દિલ્હી-NCR વિસ્તારમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડવાની માંગણી સામે કોર્ટે જણાવ્યું કે એવો સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવો શક્ય નથી. અદાલતે સંતુલિત અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

નાગરિકો અને ઉત્પાદકો બંનેના અધિકારો જરૂરી
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો ફટાકડા ઉત્પાદકોને પોતાના રોજગારનું હક છે. તો નાગરિકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાનો પણ અધિકાર છે. અદાલતના મતે કડક પ્રતિબંધ લાગુ કરવાનો પ્રયાસ ઘણા કિસ્સામાં વિપરીત પરિણામ આપે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.

બાંયધરી સાથે મંજૂરી
મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ NEERI અને PESO પાસેથી ગ્રીન ફટાકડા માટે પરમિટ ધરાવતા ઉત્પાદકોને ઉત્પાદન ચાલુ રાખવાની મંજૂરી આપી. જોકે અદાલતે સ્પષ્ટ કર્યું કે આ ઉત્પાદકોને બાંયધરી આપવી પડશે કે તેઓ આગામી સુનાવણી સુધી NCR ક્ષેત્રમાં ફટાકડાનું વેચાણ નહીં કરે.

કેન્દ્ર અને અન્ય રાજ્યોનો ઉલ્લેખ
અદાલતે નોંધ્યું કે કેન્દ્ર સરકારે પણ સ્વીકાર્યું છે કે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવો મુશ્કેલ છે. બિહારના ઉદાહરણ આપતાં અદાલતે જણાવ્યું કે ત્યાં ખાણકામ પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર ખાણકામ ચાલુ રહ્યું છે અને ખાણ માફિયાઓ સક્રિય થયા છે. તેવી જ રીતે NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાથી માફિયા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે છે.

નિયમિત દેખરેખ જરૂરી
સુનાવણી દરમિયાન CJI ગવઈએ સવાલ કર્યો કે જો ફટાકડા ઉત્પાદકો નિયમોનું પાલન કરે છે તો તેમને ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં શું વાંધો છે? અદાલતે કહ્યું કે આ મુદ્દે તર્કસંગત અભિગમ રાખવો જરૂરી છે કારણ કે અત્યંત કડક આદેશો ઘણીવાર નવી સમસ્યાઓ ઊભી કરે છે.

સોશિયલ મીડિયા પર સાવચેતી
કોર્ટે એ પણ સૂચન કર્યું કે નાગરિકો અને સંસ્થાઓ સોશિયલ મીડિયા પર પોતાની ટિપ્પણીઓ કરતી વખતે સાવચેત રહે. ખોટી માહિતી અથવા તીવ્ર પ્રતિસાદ ઘણીવાર પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે.

આ કેસની આગામી સુનાવણી તા. 8 ઓક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.

Most Popular

To Top