ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ચુંટણી (Election) યોજાઈ તે પહેલા જ સુપ્રીમ કોર્ટે (Supreme Court ) હાર્દિક પટેલને (Hardik patel) મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલની બે વર્ષની સજા પર સ્ટે (stay) મૂક્યો છે. જેથી હવે હાર્દિક પટેલ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી (Assembly elections) અને 2024ની લોકસભાની એમ બંને ચુંટણી લડી શકશે.
વિસનગર તોડફોડ કેસ શું હતો?
વિસનગરમાં ગત 23 જુલાઇ 2015ના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા અને વિજાપુરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ હાર્દિક પટેલ અને લાલજી પટેલે વિશાળ રેલી યોજી હતી. તે સમયે ભાજપના સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોફાની ટોળાંએ તોડફોડ કરી હતી. પોલીસે ટોળાંને વિખેરવા ટિયરગેસના ૧૩ રાઉન્ડ છોડ્યા હતા. ટોળાએ ધારાસભ્યના કાર્યાલય બહાર પડેલી કારને સળગાવીને વાહનોની તોડફોડ કરી હતી. ધારાસભ્યની ઓફિસમાં થયેલી તોડફોડ મામલે હાર્દિક પટેલ તેમજ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સહિત ૧૭ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.
હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી
વિસનગર તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ ત્રણેય દોષિતોને જામીન મળી ગયા છે. આ કેસમાં કોર્ટે ૧૪ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. હાર્દિક પટેલ દોષિત જાહેર થતા તે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડી શક્યો ન હતો. આજ કારણ છે કે, હાર્દિક તેમની સજા પર સ્ટે લાવવા માંગે છે, જેથી તેઓ ચૂંટણી લડી શકે. જો કે હવે સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે મુકતાચૂંટણી લડવાનો હાર્દિકનો માર્ગ સાફ થઈ ગયો છે.
હાઈકોર્ટે પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાન અને આગચંપીમાં અપીલો પર નિર્ણય ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂક્યો છે અને કહ્યું છે કે, સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો. ઉલ્લેખનીય છે કે પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસનો હાથ ઝાલી રહ્યા છે અને હવે આ ચુંટણીમાં હાર્દિક પટેલનો ન રસ્તો સાફ થઇ ગયો છે. જે હવે કોંગ્રેસ માટે રાહતની વાત છે. પરંતુ આ ચુંટણીમાં હજુ કેટલા રાજકીય બદલાવો આવે છે તે જોવું રહ્યું.