અમદાવાદમાં ગત તા.12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટે આજ રોજ તા. 7 નવેમ્બરે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે આ અકસ્માત માટે પાઇલટને દોષી ઠેરવી શકાય નહીં. જસ્ટિસ સૂર્યકાંત અને જોય માલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટ કર્યું કે “દેશમાં કોઈ માનતું નથી કે પાઇલટ દોષિત હતો.”
આ ટિપ્પણી પાઇલટ સુમિત સભરવાલના 91 વર્ષીય પિતા પુષ્કર રાજ સભરવાલની અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી. પિતા પુષ્કરેજીએ આ વિમાન અકસ્માતની સ્વતંત્ર તપાસની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) પાસેથી જવાબો માંગ્યા છે. કોર્ટ હવે આ અરજીની આગામી સુનાવણી તા.10 નવેમ્બરે કરશે.
આ ઘટના તા.12 જૂન, 2025ના રોજ બની હતી. જ્યારે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સહિત કુલ 241 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 29 લોકોનો સમાવેશ થાય છે.
કોર્ટે પોતાના નિવેદનમાં જણાવ્યું કે પ્રારંભિક તપાસ અહેવાલમાં પણ પાઇલટ સામે કોઈ ગંભીર આરોપો નથી. આથી પાઇલટને દોષિત ઠેરવવાનું યોગ્ય નથી.
અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે વિદેશી મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં આ વિમાન અકસ્માતમાં પાઇલટને ભૂલ માટે જવાબદાર ગણાવવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદેશી મીડિયા અહેવાલો ભારતની ન્યાયિક પ્રણાલીને પ્રભાવિત નહીં કરે.
જસ્ટિસ સૂર્યકાંત કહ્યું કે “આ ખરાબ રિપોર્ટિંગ છે. વિદેશી મીડિયા અહેવાલોમાં વિશ્વાસ રાખવો યોગ્ય નથી. ભારતમાં કોઈ એવું માનતું નથી કે આ પાઇલટની ભૂલ હતી.”
આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સત્ય બહાર લાવવા માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે.