Editorial

પેગાસસ જાસૂસી કાંડમાં નિષ્ણાંતોની કમિટીની રચનાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી ઊભી કરશે

કોઈપણ વ્યક્તિની જાસૂસી કરવી તે યોગ્ય નથી. તેમાં પણ જો સરકાર દ્વારા જાસૂસી કરવામાં આવે તો તે અપરાધજનક છે. તાજેતરમાં પેગાસસ સોફ્ટવેર દ્વારા ભારતના રાજકારણીઓ, એક્ટિવિસ્ટો તેમજ પત્રકારોની જાસૂસી કરવામાં આવી હતી. આ મુદ્દે ભારે હંગામો થયો હતો. ઈન્વેસ્ટિગેટિવ પત્રકોરાના આંતરરાષ્ટ્રીય ગ્રુપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈઝરાયેલની કંપની એનએસઓ દ્વારા જાસૂસી સોફ્ટવેર પેગાસેસની મદદથી 10 દેશમાં 50 હજાર લોકોની જાસૂસી કરવામાં આવી હતી. જેમાં ભારતમાં 300 લોકોની જાસૂસી થઈ હતી. આ જે 300 લોકોની જાસૂસી કરવામાં આવી તેમાં ખુદ કેન્દ્ર સરકારના મંત્રીઓ, વિપક્ષી નેતાઓ, પત્રકારો, વકીલો, જજ, વેપારી, ઓફિસરો, વૈજ્ઞાનિક તેમજ એક્ટિવસ્ટનો સમાવેશ થતો હતો.

પેગાસસ સોફ્ટવેર દ્વારા જે જાસૂસી કરવામાં આવતી હતી તેમાં આ સોફ્ટવેરને મોબાઈલમાં ઘૂસાડવા માટે હેકરો દ્વારા અલગ અલગ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી. જેમાં જે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં આ સોફ્ટવેર ઘૂસાડવાનું હોય તેના પર એક મેસેજ દ્વારા એક્સપ્લોઈટ લિંક મોકલવામાં આવતી હતી. જેવું યુઝર આ લિંક પર ક્લિક કરે કે તુરંત આ સોફ્ટવેર આપોઆપ ફોનમાં ઈન્સ્ટોલ થઈ જતું હતું. 2019માં હેકરે વોટ્સએપના વિડીયો કોલ ફિચરમાં એક કમીનો ફાયદો ઉઠાવીને નકલી એકાઉન્ટ દ્વારા જે મોબાઈલમાં સોફ્ટવેર નાખવાનું હતું તેને વિડીયો કોલ કર્યો હતો અને એક કોડ દ્વારા પેગાસસ તેમાં નાખી દેવામાં આવ્યું હતું.

આ સોફ્ટવેર દ્વારા જાસૂસી ખુદ કેન્દ્ર સરકારે જ કરાવી હતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ જાસૂસી કાંડની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટ એકશનમાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિષ્પક્ષ કમિટીની રચના કરીને તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હોવાથી આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે કમિટીની રચના કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા રિટાયર્ડ જસ્ટની આગેવાનીમાં આ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં પૂર્વ IPS ઓફિસર આલોક જોશી, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટાન્ડાર્ડાઈઝેશન સબ કમિટીના ચેરમેન ડૉ. સંદીપ ઓબેરોયની સાથે ત્રણ ટેકનિકલ સભ્યો સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક પ્રોફેસર ડૉ. નવીન કુમાર ચૌધરી, એન્જિનિયરના પ્રોફેસર ડૉ. પ્રભાકરન પી અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અશ્વિન અનિલ ગુમસ્તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કમિટી રિટાયર્ડ જસ્ટિસ આરવી રવિન્દ્રની અધ્યક્ષતામાં કામ કરશે. સુપ્રીમકોર્ટે કહ્યું છે કે, દરેક વ્યક્તિને પ્રાઈવસીની રક્ષા મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે આ કમિટી દ્વારા પેગાસસ સાથે જોડાયેલા આરોપોની તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટને સોંપવામાં આવશે. 8 સપ્તાહમાં આ રિપોર્ટ આપવાનો રહેશે અને ત્યારબાદ આ કેસમાં ફરી સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે કેન્દ્ર સરકારને પછડાટ મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જાસૂસી થઈ હોવાનો જ ઈન્કાર કરવામાં આવ્યો હતો.

સાથે સાથે કેન્દ્ર સરકારે પોતે આવું કશું કર્યું નહીં હોવાનો ખુલાસો પણ કર્યો હતો. જ્યારે તેની સામે કેન્દ્ર સરકારના આદેશથી જ આ જાસૂસી કરવામાં આવી હોવાના આક્ષેપો કેન્દ્ર સરકાર પર કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હવે પેગાસસ જાસૂસી પ્રકરણમાં આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો કેન્દ્ર સરકારની આ જાસૂસી કાંડમાં સામેલગીરી હશે તો તેને માટે મોટી મુશ્કેલી ઊભી થશે તે નક્કી છે.

Most Popular

To Top