નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) બુધવારે મહત્વનો નિર્ણય આપતાં રાજદ્રોહ અધિનિયમની કલમ 124A પર રોક લગાવી દીધી છે. તેના હેઠળ દાખલ કરાયેલા તમામ પેન્ડિંગ કેસો(Panding cases) પર પણ સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. કોર્ટે કેન્દ્ર સરકાર(Central Government)ને કાયદા(Law) પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવામાં આવશે નહીં અને આ અંતર્ગત જેલમાં રહેલા લોકો કોર્ટમાંથી જામીન માંગી શકશે. સર્વોચ્ચ અદાલતે, કેન્દ્ર અને રાજ્યોને IPCની કલમ 124Aમાં સુધારો કરવાની મંજૂરી આપતાં કહ્યું કે જ્યારે સુધી આ કામ પૂર્ણ ન થાય ત્યારસુધી આ કલમ હેઠળ કોઈ નવો કેસ દાખલ નથી કરવો.
નોંધનીય ગુનાની નોંધણી અટકાવવી યોગ્ય નથી: સોલિસિટર જનરલ
આ અગાઉ રાજદ્રોહ કાયદાને પડકારતી અરજીઓ પર પણ બુધવારે સુનાવણી થઈ હતી. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. તેમની દલીલો રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે નોંધનીય ગુનાની નોંધણી અટકાવવી યોગ્ય નથી. મહેતાએ ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું હતું કે 1962માં બંધારણીય બેંચ દ્વારા રાજદ્રોહ કાયદાની માન્યતાને યથાવત રાખવામાં આવી હતી. તેની જોગવાઈઓ નોંધનીય ગુનાના દાયરામાં આવે છે. તેણે કોર્ટને કહ્યું કે હા, આવા મામલામાં એફઆઈઆરની નોંધણી પર દેખરેખ રાખવાની જવાબદારી પોલીસ અધિક્ષકના રેન્કના અધિકારીને આપી શકાય છે.
દરેક કેસની ગંભીરતા અલગ-અલગ
તેમણે સર્વોચ્ચ અદાલતને કહ્યું કે જ્યાં સુધી રાજદ્રોહના પેન્ડિંગ કેસોનો સંબંધ છે, દરેક કેસની ગંભીરતા અલગ-અલગ હોય છે. કેટલાક કેસમાં આતંકવાદી કનેક્શન હોઈ શકે છે અને કેટલાકમાં મની લોન્ડરિંગ કનેક્શન હોઈ શકે છે. આખરે પેન્ડિંગ કેસો કોર્ટ સમક્ષ સબ-જ્યુડીસ છે અને આપણે કોર્ટ પર વિશ્વાસ રાખવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે રાજદ્રોહની જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકતો કોઈપણ આદેશ પસાર કરવો અયોગ્ય રહેશે. આને બંધારણીય બેંચે યથાવત રાખ્યા છે.
કેન્દ્ર પાસેથી 24 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો
અદાલતે અગાઉ નોંધાયેલા આવા કેસોમાં નાગરિકોના હિતની સુરક્ષા માટે આ સંસ્થાનવાદી યુગના કાયદા હેઠળ નવા કેસ ન નોંધવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા પણ કહ્યું હતું. હકીકતમાં, IPCની કલમ 124A, જે દેશદ્રોહ અથવા રાજદ્રોહને ગુનો બનાવે છે, તેના દુરુપયોગને લઈને સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ગયા દિવસે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશોને પગલે મંત્રાલયે આ કાયદાની જોગવાઈઓ પર વિચારણા અને તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
2014 થી 2019 ની વચ્ચે રાજદ્રોહના 326 કેસ નોંધાયા હતા
2014 થી 2019 ની વચ્ચે દેશમાં આ વિવાદાસ્પદ કાયદા હેઠળ કુલ 326 કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર છને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, કુલ 326 કેસમાંથી 54 કેસ આસામમાં નોંધાયા હતા. જો કે, 2014 અને 2019 વચ્ચે, એક પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો.