National

કેન્દ્ર સરકારને સુપ્રીમનો મોટો ઝટકો! ખનીજ ટેક્સ મામલે રાજ્ય સરકારની તરફેણમાં ચુકાદો

નવી દિલ્હી: હવેથી રાજ્ય સરકારોને રાજ્યમાંથી મળતા ખનિજો (Minerals) પર સેસ વસૂલવાનો અધિકાર છે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટની (Supreme Court) 9 જજોની બેન્ચે 8:1ની બહુમતી સાથે ગુરુવારે સંભળાવ્યો હતો. કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે માઈનિંગ કંપનીઓ દ્વારા કેન્દ્ર સરકારને ચૂકવવામાં આવતી રોયલ્ટીને ટેક્સ કહી શકાય નહીં.

CJI DY ચંદ્રચુડે અન્ય સાત ન્યાયાધીશો સાથે બહુમતી ખનીજ ટેક્સ બાબતે ચુકાદો સંભળાવ્યો હતો, જ્યારે ન્યાયમૂર્તિ બીવી નાગરથનાએ અસંમતિ દર્શાવી હતી અને તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આજે ખનીજ ટેક્સ મામલે કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ચુકાદો આપ્યો કે કાઢવામાં આવેલા ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી ટેક્સ નથી. ચુકાદામાં સ્પષ્ટ પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર કે જે પોતાના રાજ્યમાં જમીન ધરાવે છે તે ખાણકામ પ્રવૃત્તિઓ પર સેસ વસૂલ કરી શકે છે.

સાત જજોની બંધારણીય બેંચનો નિર્ણય ખોટો?
બહુમતી ચુકાદાના ઓપરેટિવ ભાગને વાંચતા મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચ (‘ઈન્ડિયા સિમેન્ટ્સ વિ. તમિલનાડુ’) નો 1989નો ચુકાદો, કે જેમાં એવું માનવામાં આવ્યું હતું કે રોયલ્ટી એક કર છે. શરૂઆતમાં CJIએ કહ્યું હતું કે બેન્ચે બે અલગ-અલગ ચુકાદા આપ્યા છે અને જસ્ટિસ બી.વી. નાગરથનાએ આ કેસમાં અન્ય જજોથી અલગ અલગ અભિપ્રાયો આપ્યા છે.

ન્યાયાધીશોએ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 246 પર નજીકથી નજર નાખો, જે કેન્દ્ર અને રાજ્યની કાયદાકીય સત્તાઓ સાથે વ્યવહાર કરે છે, આ બાબત સ્પષ્ટ કરે છે કે રાજ્ય વિધાનસભાને ખાણકામ પર કર સંબંધિત કાયદા બનાવવાનો અધિકાર છે. સંસદને આ અધિકાર નથી.

નાગરથનાએ પોતાના નિર્ણયમાં શું કહ્યું?
પોતાનો ચુકાદો વાંચતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે રાજ્યોમાં ખાણો અને ખનિજથી સમૃદ્ધ જમીનો પર કર લાદવાની કાયદાકીય ક્ષમતા નથી. ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી એ માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1957 હેઠળનો કર છે કે કેમ અને માત્ર કેન્દ્ર પાસે આવી વસૂલાત કરવાની સત્તા છે કે રાજ્યોને પણ તેનો અધિકાર છે કે કેમ? તે અંગેના અત્યંત વિવાદાસ્પદ મુદ્દા પર બેન્ચે નિર્ણય લીધો હતો. તેના વિસ્તારમાં ખનિજ સમૃદ્ધ જમીન પર કર લાદવો જોઇયે. જોકે બહુમતના અભાવે તેમના નિર્ણયનો અમલ થઈ શક્યો ન હતો.

9 જજોની બંધારણીય બેંચમાં આ જજો સામેલ છે.
સુપ્રીમના 9 જજોની બંધારણીય બેંચમાં CJI ચંદ્રચૂડ ઉપરાંત જસ્ટિસ નાગરથ્ના, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ અભય એસ ઓકા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ ઉજ્જલ ભુયા, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહ સામેલ હતા.

Most Popular

To Top