નવી દિલ્હી: ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી (Astronaut) સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ફરી એકવાર અવકાશની સફર પર છે. ત્યારે ગુરુવારે સુનિતા અને તેના સાથી અવકાશ યાત્રીઓ સ્પેસ (Space) પહોંચ્યા હતા, તેમજ સ્પેસ સ્ટેશન પર પહોંચતાની સાથે જ સુનિતાએ ડાન્સ (Dance) કરવાનું શરૂ કરી દીધું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ રહ્યો છે.
ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર ગુરુવારે સુરક્ષિત રીતે અવકાશમાં પહોંચી હતી. આ દરમિયાન વિલિયમ્સ ખુશીથી નાચતી જોવા મળી હતી. સુનિતાના ડાન્સનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ યાત્રા દરમિયાન સુનિતા અને બૂચ વિલ્મોરેએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના માર્ગે બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટનું મેન્યુઅલ પાયલોટિંગનું પરીક્ષણ કર્યું હતું. આ બંને અવકાશયાત્રીઓએ અવકાશયાન પર નિયંત્રણ મેળવીને ઈતિહાસ રચ્યો હતો. તેમજ આ કાર્ય કરનાર સુનિતા વિશ્વની પ્રથમ મહિલા બની હતી.
સુનિતા વિલિયમ્સે અવકાશમાં ડાન્સ કર્યો
અગાઉ સુનિતા વિલિયમ્સે વર્ષ 2007 અને 2012માં અવકાશની યાત્રા કરી છે. આ તેમની ત્રીજી સ્પેસ મુલાકાત છે. ગુરુવાર 6 જૂને ભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલમોર આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પહોંચ્યા હતા. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અમેરિકાના ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 26 કલાક પછી તેઓ મેન્યુઅલ પાયલોટિંગ કરી બોઇંગ અવકાશયાન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા.
સુનિતાનો ISS પહોંચવાનો વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્પેસ સ્ટેશન પહોંચે છે ત્યારે એક ઘંટડી વાગતી સંભળાય છે. જોકે આ ISSની પરંપરા છે કે જ્યારે પણ ત્યાં કોઈ નવા અંતરિક્ષ યાત્રી પહોંચે છે તો અન્ય એસ્ટ્રોનોટ્સ ઘંટડી વગાડીને તેમનું સ્વાગત કરે છે. ત્યારે સુનિતા વિલિયમ્સે ISSના સભ્યોને પોતાનો બીજો પરિવાર ગણાવ્યો હતો. “ISS મારા માટે બીજા ઘર જેવું છે,” સાથે જ તેણીએ શાનદાર સ્વાગત માટે બધા જ એસ્ટ્રોનોટ્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
26 કલાકની મુસાફરી
સુનિતા વિલિયમ્સે અદ્ભુત સ્વાગત માટે ક્રૂ સભ્યોનો આભાર માન્યો હતો, તેમજ તેમને પોતાના પરિવાર તરીકે ગણાવ્યા હતા. તેણીએ કહ્યું, ‘હું તમને બધાને મિસ નથી કરતી. તમને જાણીને આનંદ થશે કે હું અહીં મારા બીજા પરિવાર સાથે છું અને હું અહીં ખૂબ જ ખુશ છું.’’ તમને જણાવી દઈએ કે, વિલિયમ્સ અને વિલ્મોર સ્ટારલાઈનર ઉડાડનાર પ્રથમ ક્રૂ છે. તેણીએ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કર્યાના લગભગ 26 કલાક પછી ISS પર બોઇંગ અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું.