મુંબઇ: ટેલિવિઝન બાદ હવે કપિલ શર્મા OTT પ્લેટફોર્મ ઉપર પણ છવાઇ જવા માટે તૈયાર છે. કપિલ ટૂંક સમયમાં નેટફ્લિક્સ (Netflix) પર તેના નવા શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ (The Great Indian Kapil Show) સાથે જોવા મળશે. આ શોને લઈને કોમેડિયન ઘણા સમયથી ચર્ચામાં છે. OTT પર આવવા કરતાં કપિલ શર્માના ચાહકો માટે સૌથી મોટી વાત એ છે કે કોમેડિયન તેની ટીમના સાથી સુનીલ ગ્રોવર () સાથે ફરીથી જોવા મળશે. જ્યારથી તેમની લડાઈ ચાલી રહી છે ત્યારથી ચાહકો તેમને ફરી એકવાર સાથે જોવાની રાહ જોઈ રહ્યા હતા.
2017માં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે લડાઇ થઈ હતી. ફ્લાઈટમાં ઝઘડા બાદ બંને અલગ થઈ ગયા હતા. જોકે હવે વર્ષો પછી બંને કોમેડિયન ફરી એકવાર સાથે આવી રહ્યા છે. હવે શોની પ્રેસ મીટ દરમિયાન કપિલ અને સુનીલે એકબીજા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તેમની લડાઈ એક ‘પબ્લિસિટી સ્ટંટ’ છે. બંનેએ ફરી સાથે આવવાની વાત પણ કરી હતી.
આ ઇવેન્ટમાં સુનીલ ગ્રોવરે કપિલ શર્મા અને શોની ટીમ સાથે ફરી કામ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓએ સાથે રિહર્સલ કરવામાં ઘણો સમય પસાર કર્યો હતો. સુનીલે એમ પણ કહ્યું કે તેના માટે શોમાં એન્ટ્રી ઘર વાપસી જેવું છે. તેમણે કહ્યું, ‘હું આ શોનો ભાગ બનીને ખુશ છું. આ એક એવી જગ્યા છે જ્યાં કામ કામ જેવું લાગતું નથી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.
અમે સેટ ઉપર આખો દિવસ હસીએ છીએ અને જ્યારે અમે સ્ટેજ પર જઈએ છીએ, ત્યારે અમે તે હાસ્યને અમારી સાથે સ્ટજ ઉપર લઈ જઈએ છીએ. અમે નવી વસ્તુઓની શોધ કરતા રહીએ છીએ. જ્યારે પણ અમે નવા એપિસોડ માટે રિહર્સલ કરીએ છીએ ત્યારે હું સૌથી વધુ ખુશ છું. મને નથી લાગતું કે આખો દિવસ જોક્સ વિશે વાત કરવામાં અને હસવામાં આપણને એટલી મજા આવે છે.’
લડાઈને પબ્લિસિટી સ્ટંટ ગણાવી
ઇવેન્ટમાં જ્યારે કપિલ શર્માએ તેમની ફ્લાઈટમાં થયેલી લડાઈ વિશે વાત કરી, ત્યારે સુનીલે કહ્યું કે આ તેમનો અને કપિલનો ડ્રામા હતો. જે તેઓ નવા શોના પ્રમોશન માટે ત્યારથી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તે સમયે નેટફ્લિક્સ ભારતમાં પોતાના યુઝર્સને સ્થાપી રહ્યું હતું અને તેમણે વિચાર્યું કે આ બધું ફ્લાઈટમાં રાખવું વધુ સારું રહેશે. સુનિલે કહ્યું, ‘તે સમયે નેટફ્લિક્સ ભારતમાં નવું હતું, તેથી અમને લાગ્યું કે ટેલિવિઝનના દર્શકોને વ્યસ્ત રાખવા માટે અમારે કંઈક કરવું પડશે. તેથી અમે પબ્લિસિટી સ્ટંટ તરીકે લડાઈનો વિચાર લઈને આવ્યા.’
સુનીલ ગ્રોવરે એમ પણ કહ્યું, ‘આ શોને સમગ્ર વિશ્વમાં લાવવા માટે અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ. આ બધું Netflix ના કારણે થઈ રહ્યું છે. આ શો હંમેશા દર્શકોને પસંદ આવ્યો છે. અમે આટલા વર્ષોથી બધાને હસાવતા આવ્યા છીએ. હું આશા રાખું છું કે અમને તમારો પ્રેમ આવો જ મળતો રહેશે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર સાથે કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, કીકુ શારદા અને અર્ચના પુરણ સિંહ પણ છે. આ શો નેટફ્લિક્સ પર 30 માર્ચથી રાત્રે 8 વાગ્યે આવશે.