Trending

રવિવારનો ઇન્કાર : ધારો કે વિદ્વાન વક્તાને રવિવાર વિશે બોલવાનું છે પણ રવિવાર તેમને ગમતો નથી

સામાન્ય માણસને રવિવાર બહુ ગમે છે. એટલે રવિવારનો ઇન્કાર કરવાથી અસામાન્ય દેખાવાની ઉજળી સંભાવના રહે છે. વિદ્વાન હોવા માટે તો ઘણું કરવું પડે. આ ઝડપી યુગમાં એટલો ટાઇમ કોની પાસે છે? પણ વિદ્વાન દેખાવા માટે રવિવારના મહિમાનું ખંડન થઈ શકે. વિદ્વાન ન દેખાવું હોય ને ફક્ત ચર્ચાશૂરા તરીકે છાકો પાડવો હોય તો પણ આ પદ્ધતિ કામ લાગે એવી છે. જાહેર જનતા તેનો પ્રયોગ કરે એ માટે નહીં, પણ તેનો પ્રયોગ થતો ઓળખી શકે અને તેનો યથાશક્તિ પ્રતિકાર કરી તે માટે, રવિવારવિરોધી દલીલમાળાના કેટલાક નમૂના અહીં આપીએ.

ધારો કે વિદ્વાન વક્તાને (ખૂન કરપીણ હોય તેમ વક્તા વિદ્વાન જ હોય) રવિવાર વિશે બોલવાનું છે. પણ રવિવાર તેમને ગમતો નથી. તો તે પોતાનો અણગમો કેવી શાસ્ત્રીય ઢબે રજૂ કરી શકે? (સાહિત્યિક ચેતવણીઃ આ વિવેચનની ટિપ્સ નથી.)

વારની આખી વિભાવના વિશે નવેસરથી વિચારવાની જરૂર છે. વર્ષોથી હું આ વાત કહી રહ્યો છું, પણ નવી પેઢીમાં એ સજ્જતા અને ઊંડાણ ક્યાં છે? એમને તો બસ એક જ વાત આવડે છે : રવિવાર બહુ સારો વાર છે. આ ખ્યાલ પશ્ચિમી છે. આપણે ગમાડવો હોય તો સંતોષીમાનો શુક્રવાર કે બજરંગબલીનો શનિવાર ક્યાં નથી? તેની સાથે પણ લાખો લોકોની શ્રદ્ધા સંકળાયેલી છે. લોકપ્રિયતા એ જ મહત્તા બની શકતી હોય તો આ વાર રવિવાર કરતાં પણ વધારે લોકપ્રિય છે. આ વાત રવિવારના પ્રેમીઓએ પણ સ્વીકાર્યા વિના છૂટકો નથી. રહી વાત ગુણવત્તાની. તેમાં વિચારભેદને પૂરો અવકાશ છે. હમણાં હું કેનેડા ગયો ત્યારે મારા એક ચાહકના ઘરે બેઠા હતા. દસ લાખ ડોલરનું તેનું હાઉસ છે. દસ લાખ ડોલર એટલે કેટલા રૂપિયા થયા એની ગણતરીમાં પણ આપણી ભૂલ પડી જાય. એ ભાઈને મેં જ્યારે કહ્યું કે મને રવિવાર ગમતો નથી અને મારા કેલેન્ડરમાં રવિવારનું પાનું જ નથી, ત્યારે એ મારા પગે પડી ગયા. આ જ બાબતને લઈને ઘરઆંગણે કેટલાક રવિવારપ્રેમીઓ મારી કેટલી બધી ટીકા કરે છે. વિદ્વત્તાની બાબતમાં એમને શી ખબર પડે?

રવિવાર વિશેના મારા અભિપ્રાયમાં જરાય પૂર્વગ્રહ નથી. હું તેની ટીકા કરતો હોઉં તો તેમાં (ટીકા કરવા સિવાય) મારો બીજો કોઈ ખરાબ આશય નથી હોતો. દરજી કપડાં સીવે, ખેડૂત હળ ચલાવે એમ હું ટીકા કરું છું. અંગત રીતે, વારોની સરખામણીની વાત ન કરતા હો તો રવિવાર સામે મને કશો વાંધો નથી. મારા પોતાના ઘરમાં મારા સિવાય તમામને રવિવાર જ ગમે છે. મારું પોતાનું લગ્ન પણ રવિવારે થયું હતું. રવિવારને રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મળી છે, તેનો પણ કેવી રીતે ઇન્કાર થઇ શકે? (એની તો કેવળ ઇર્ષ્યા જ થઇ શકે.) હું માનું છું કે (મારા સિવાય) દરેક વ્યક્તિએ પ્રામાણિક રહેવું જોઇએ. રવિવાર વિશેનો મારો અભિપ્રાય તદ્દન પ્રામાણિક છે. હું રવિવારને વાર જ ગણતો નથી. એ પાછળથી ઉમેરાયેલો વાર છે. મને એની સામે વાંધો છે એવું નથી, પણ આ એક હકીકત છે.

છેલ્લે ઉમેરાયેલી ચીજ બધાને સૌથી વધારે યાદ રહી જતી હોય છે, એટલે રવિવાર લોકપ્રિય બની ગયો છે. રવિવારને લોકપ્રિય બનાવવો એ અંગ્રેજોની ચાલ હતી. તેમણે રેલવે અને તારટપાલ પોતાના સ્વાર્થ માટે નાખ્યા હોવા છતાં એ માટે સામાન્ય લોકો અંગ્રેજોનાં વખાણ કરે છે. એવું જ રવિવારની બાબતમાં પણ છે. અંગ્રેજો ઇચ્છતા હતા કે હિંદુસ્તાનની જનતા બૃહસ્પતિનો વાર (ગુરુવાર) કે બજરંગબલીનો વાર (શનિવાર) ભૂલીને અંગ્રેજી રવિવારની ભક્ત બને. આ ઐતિહાસિક તથ્ય છે, પણ પ્રજા હવે મને જ ઐતિહાસિક વ્યક્તિ માનવા માંડી છે. એટલે રવિવાર પ્રત્યેનો મારો અભિપ્રાય પણ ઐતિહાસિક ગણાય છે. હું પોતે ઇતિહાસનું પાત્ર બની જઉં તેના માટે ઘણા લોકો આતુર છે, પણ હજુ મારે ‘નવી પેઢીમાં સજ્જતા નથી’ એ સત્યના પ્રસાર માટે પણ એકાદ-બે પેઢી સુધી જીવવું પડશે.

રવિવાર કરતાં સોમવાર સારો છે કે નહીં, એની ચર્ચામાં શા માટે પડવું? કારણ કે ચર્ચાથી મારો અભિપ્રાય બદલાવાનો નથી. આદર્શ ચર્ચાની મારી વ્યાખ્યામાં ભીંત સાથેનો વાર્તાલાપ આવે છે. મારી દરેક વાતોને ભીંત મૂક સંમતિથી વધાવી લેતી હોવાથી એ મારી પ્રિય શ્રોતા, ચર્ચક અને માર્ગદર્શક છે. ભીંતને પૂછ્‌યા વિના હું કોઈ પણ નિર્ણય પર આવતો નથી. ક્યારેક ભીંત પર આયનો પણ લગાડેલો હોય છે, એ તો કેવળ યોગાનુયોગ. ભીંતના ઘણા ફાયદા છે. રવિવાર કરતાં તો એ અનેક ગણા વધારે છે.

હું તો જ્યાં જઉં ત્યાં આ જ વાત કરું છું કે વારની વાત છોડો, ભીંતની વાત કરો. સંવાદ-વિવાદ માટે ભીંત જેટલી મૈત્રીપૂર્ણ, ઉષ્માપૂર્ણ, સહકારપૂર્ણ, પ્રતિઘોષપૂર્ણ બીજી કોઈ જગ્યા છે? જરા જુઓ, દેશનાં બીજાં રાજ્યો અને વિશ્વ ક્યાં પહોંચી રહ્યાં છે અને આપણે રવિવાર-સોમવારની ચર્ચામાંથી ઉંચા નથી આવતા. મને રવિ (સૂર્ય) કરતાં સોમ(ચંદ્ર)—અને સોમરસ—વિશેષ પસંદ છે. મારી આ પસંદગી મોટા ભાગના લોકોની પસંદગી સાથે મળતી આવે છે, એમ હું માનું છું. આ કદાચ મારી એક માત્ર સર્વસ્વીકૃત માન્યતા હોઈ શકે છે.

બોલ્યુ ચાલ્યુ માફ- ઉર્વિશ કોઠારી

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top