બારડોલી : સુમુલ ડેરીના (Sumul Dairy) ડિરેક્ટર અને બારડોલી (Bardoli) તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અજિત ઉર્ફે અજય પટેલનો એક મહિલા સાથેનો રંગરેલિયા મનાવતો વિડીયો (Video) વાયરલ થવાની ઘટનામાં ગ્રામજનોએ આકરા નિર્ણયો લઈ અજિત પટેલ પાસેથી ગામની વિવિધ સમિતિ અને મંડળમાંથી રાજીનામું આપી દેવા જણાવી દેવાયું છે. અજય અનેક સરસ્વતીનું ધામ એવી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જોડાયેલો છે. પરંતુ આ શૈક્ષણિક સંસ્થાના જવાબદાર હોદ્દેદારો પણ આવા રંગીલા સભ્યોને સાચવી જનમાનસમાં સંસ્થાની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા ઊઠી છે.
ગત દિવસો દરમિયાન સુમુલ ડેરીના ડિરેક્ટર અને બારડોલી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અજિત પટેલનો કથિત રૂપે એક અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો, જેમાં અજિત પટેલ એક મહિલા સાથે અશ્લીલ હરકત કરી રહ્યો છે. અજિત પટેલની આવી હરકત સામે આવતાં જ આદર્શ ગામ ગણાતા ખરવાસા ગામના લોકો તો ઠીક સમગ્ર જિલ્લામાંથી તેમની સામે ફિટકાર વરસવાનું શરૂ થયું હતું. તેમની આ હરકતથી ખરવાસા ગામની છબીને પણ નુકસાન પહોંચ્યું હોવાથી ગામના આગેવાનોએ એકત્રિત થઈ એક બેઠક યોજી હતી.
ગ્રામ સમિતિની બેઠકમાં અજિત પાસેથી ગામની તમામ સંસ્થા અને કમિટીમાંથી રાજીનામું આપી દેવા જણાવી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં ગામ કમિટીએ અજિત પટેલ પાસે લેખિત અને મૌખિક માફી પણ મંગાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અનેક શૈક્ષણિક અને સહકારી સંસ્થા સાથે આ રંગીલા નેતા સંકળાયેલા હોવા છતાં આવી ક્ષોભજનક હરકત કરનાર નેતાને છવારવામાં આવી રહ્યા છે.
મહત્ત્વની વાત તો એ છે કે, તત્કાલીન તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્રસિંહ વાંસિયા અને બારડોલીના નગરસેવક દક્ષેશ શેઠ કોઈની સામે જાળમાં ફસાઈ ગયા હતા, તેમ છતાં તેમની સામે કડક કાર્યવાહી કરી તેમને પક્ષની છબી ખરડાતી હોવાનું કહી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. જ્યારે અજય પટેલના કેસમાં દેખીતા પુરાવા હોવા ઉપરાંત ગામની સંસ્થાઓ અને કમિટીમાંથી રાજીનામું આપવાની સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે ભાજપ મોવડીમંડળ કયાં કારણોસર અજય પટેલને છાવરી રહ્યું છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવા લંપટ નેતાને સાચવવામાં પક્ષને નુકસાન થવાની સંભાવના પણ સેવાઇ રહી છે.
પક્ષના કાયદા બધા માટે સરખા જ હોવા જોઈએ
અજિત પટેલના રંગરેલિયાનો કથીત વિડીયો સામે આવ્યા બાદ પણ સુરત જિલ્લા ભાજપ મોવડીમંડળ દ્વારા તેની સામે કોઈ પગલાં ન લેવાતાં કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરો અજિત પટેલ સામે પગલાં નહીં લેવામાં આવે તો અગાઉ પક્ષમાંથી સસ્પેન્ડ કરેલા તત્કાલીન બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્રસિંહ વાંસીયા, બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠ અને ચોર્યાસી તાલુકા પંચાયતના આસ્તિક પટેલ પણ પક્ષમાં પરત લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. પક્ષના કાયદા બધા માટે સરખા જ હોવા જોઈએ. આ મામલે પક્ષની એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવવામાં આવતાં કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળી રહી છે.