જો હવામાન પરિવર્તનને રોકવાના પ્રયાસો કરવામાં નહીં આવે તો ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુઓ ૨૧૦૦ સુધીમાં છ મહિના સુધી ચાલુ રહી શકે છે, જેની ખેતી, માનવ આરોગ્ય અને પર્યાવરણ પર દૂરગામી અસરો થઇ શકે છે એમ એક અભ્યાસમાં જણાયું છે.
જીઓફીઝિકલ રિસર્ચ લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં જણાયું છે કે મેડિટરેનિયન પ્રદેશ અને તિબેટિયન ભૂખંડે તેમના ઋતુચક્રમાં સૌથી મોટા પરિવર્તનો અનુભવ્યા છે. સંશોધકોએ એ બાબતની નોંધ લીધી છે કે ૧૯પ૦ના ગાળામાં ઉત્તર ગોળાર્ધમાં આગાહી કરી શકાય અને વ્યાજબી કહી શકાય તે રીતે ચાર ઋતુઓ આવી છે. અલબત્ત, હવામાન પરિવર્તન હવે ઋતુઓની લંબાઇ અને તેમની શરૂ થવાની તારીખોમાં નાટ્યાત્મક અને અનિયમિત ફેરફારો લાવી રહ્યું છે, અને જો હવામાનનું આવું જ પરિદ્શ્ય ચાલુ રહેશે કે જે હાલમાં છે તો તે ફેરફારો ભવિષ્યમાં વધુ તીવ્ર બની શકે છે એમ તેમણે જણાવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગના કારણે ઉનાળાઓ વધુ લાંબા અને વધુ ગરમ બની રહ્યા છે જ્યારે શિયાળાઓ વધુ ટૂંકા અને વધુ ગરમ બની રહ્યા છે એમ ચાઇનીઝ સાયન્સ એકેડેમીના નિષ્ણાત એવા આ લેખના લીડ ઓથર યુપિંગ ગુઆને જણાવ્યું હતું.
ઉત્તર ગોળાર્ધમાં ચાર ઋતુઓની લંબાઇ અને તેમની શરૂઆતની બાબતમાં થયેલા ફેરફારો માપવા માટે સંશોધકોએ ૧૯પ૨થી ૨૦૧૧ સુધીના ઐતિહાસિક દૈનિક હવામાન ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ સંશોધન ટીમે ભવિષ્યમાં ઋતુઓ કઇ રીતે બદલાશે તેની આગાહી કરવા માટે પ્રસ્થાપિત હવામાન પરિવર્તન મોડેલોનો ઉપયોગ કર્યો હતો.
આ અભ્યાસમાં જણાયું હતું કે ૧૯પ૨થી ૨૦૧૧ સુધીમાં સરેરાશની રીતે ઉનાળામાં ૭૮થી ૯પ દિવસોનો વધારો થયો છે, જ્યારે શિયાળો ૭૬થી ૭૩ દિવસ સંકોચાયો છે. વસંત અને પાનખર ઋતુઓ પણ અનુક્રમે ૧૨૪થી ૧૧પ દિવસ અને ૮૭થી ૮૨ દિવસ ટૂંકી થઇ છે. આ મુજબ વસંત ઋતુ અને ઉનાળો વહેલા શરૂ થાય છે અને પાનખર તથા શિયાળો મોડા શરૂ થાય છે. જો હવામાન પરિવર્તનને રોકવાના કોઇ પણ પ્રયાસો વિના આ જ પ્રવાહ ચાલુ રહેશે તો ૨૧૦૦ના વર્ષ સુધીમાં શિયાળો બે મહિના કરતા ઓછો સમય ચાલશે અને પરંપરાગત વસંત અને પાનખરની ઋતુઓ પણ સંકોચાશે એમ સંશોધકોએ આગાહી કરી છે.