નવસારી : ગાંધી ફાટકથી વેડછા સ્ટેશન વચ્ચે છાપરા ગામના યુવાને ટ્રેન (Train) સામે પડતું મૂકી આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ વિજલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, નવસારીના છાપરા ગામે અરડી ફળીયામાં પ્રવિણભાઈ રમણભાઈ રાઠોડ (ઉ.વ. 32) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 30મીએ પ્રવિણભાઈએ ગાંધી ફાટક સ્ટેશનથી વેડછા રેલ્વે સ્ટેશનની વચ્ચે કોઈ અગમ્ય કારણસર અજાણી ટ્રેન સામે આવી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ મુન્નાભાઈએ વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. રાકેશભાઈને સોંપી છે.
નવસારીના વાડા ગામે આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
નવસારી : નવસારી તાલુકાના વાડા ગામે પંકજભાઈ નારણભાઈ પટેલ (ઉ.વ. 42) રહેતા હતાં. તેઓ બેરોજગાર હતા અને તેમને દારૂ પીવાની કુટેવ હતી. પંકજભાઈના લગ્ન થયા ન હતા. જેથી દારૂ પીધા બાદ પંકજભાઈ તેમની ભાભી સાથે ઝઘડો બોલાચાલી કરતા હતાં. ગત 27મીએ ભાઈબીજ હોવાથી પંકજભાઈની ભાભી ભાઈબીજ કરવા તેમના પિયર એંધલ ગામે ગયા હતા. જેથી પંકજભાઈ ઘરે એકલા હતા. દરમિયાન ગત 29મીએ પંકજભાઈએ તેમના ઘરે રસોડાના ભાગે પંખો લગાડવાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ અલ્પેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. ઘનશ્યામસિંહને સોંપી છે.
કરાડી ગામે ગાયને બચાવવા જતાં બાઈક સ્લીપ થતા યુવકનું મોત
નવસારી : જલાલપોરના કરાડી ગામે ગાય વચ્ચે આવી જતા બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જયારે યુવતીને ઈજા થઇ હોવાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોરના આનંદભુવન ચાલમાં સાગર રમેશભાઈ માધડ (ઉ.વ. 21) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 30મીએ સાગર તેની બાઈક (નં. જીજે-21-એએમ-3060) લઈને દ્રષ્ટિ નામની યુવતી સાથે ક્યાંક કામ અર્થે જઈ રહ્યો હતો. દરમિયાન એરૂથી દાંડી જતા રોડ પર કરાડી ગામ જાંબુડી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક ગાય પસાર થતા સાગરે બાઈકની બ્રેક મારતા સ્ટીયરીંગ પરથી કાબુ ઘુમાવી દીધો હતો. જેના કારણે બાઈક સ્લીપ થઇ જતા સાગર અને દ્રષ્ટિ રસ્તા પર પટકાયા હતા. આ ઘટનાને પગલે દ્રષ્ટિને શરીરે ઈજાઓ થઇ હતી. જયારે સાગરને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સાગરનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા રમેશભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. રાજુભાઈને સોંપી છે.