Comments

ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ

1942માં તત્ત્વચિંતક આલ્બર્ટ કામુએ લખ્યું હતું કે જીવનનો સૌથી મૂળભૂત પ્રશ્ન એ છે કે શું જીવન જીવવાયોગ્ય છે કે નહીં. આજે જ્યારે આપણે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલા આત્મહત્યાના આંકડા પર નજર કરીએ ત્યારે આ પ્રશ્ન ખૂબ જ વાસ્તવિક લાગે છે. બીજા બધા પ્રશ્નો તમે જીવવાનું નક્કી કરો એ પછી આવે છે. સમગ્ર વિશ્વમાં આત્મહત્યાની સંખ્યા વધી છે. ભારતમાં એનું પ્રમાણ ઘણું વધારે છે.

એક અંદાજ મુજબ 2016માં વિશ્વમાં લગભગ 8,17,000 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,30,000થી વધુ મૃત્યુ ભારતમાં થયાં હતાં,—જે વિશ્વના કુલ આત્મહત્યાઓના લગભગ 28 ટકા થયા! પુરુષો અને મહિલાની તુલના કરીએ તો વિશ્વના મોટા ભાગના દેશોમાં પુરુષોમાં આત્મહત્યાનો દર મહિલાઓ કરતાં ઘણો વધારે હોય છે પરંતુ ભારતમાં આ તફાવત ઘણો ઓછો છે. ભારતીય મહિલાઓમાં આત્મહત્યાનો દર વિશ્વના સરેરાશ મહિલાઓના દર કરતાં બમણો છે.

૨૦૧૬માં એક વૈશ્વિક અભ્યાસના તારણ મુજબ આત્મહત્યા કરનાર મહિલાઓમાં ૩૬ ટકા ભારતીય હતી! યુવતીઓની સ્થિતિ ખાસ કરીને ખૂબ ચિંતાજનક છે. 15 થી 39 વર્ષની વય જૂથની મહિલાઓ દેશમાં થતી કુલ મહિલાઓની આત્મહત્યાઓમાં લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. જો મોટા પ્રમાણમાં આપણી યુવાન સ્ત્રીઓને જીવન નિરર્થક લાગતું હોય અને જીવન ટુંકાવવા જેવાં આત્યંતિક પગલાં લેતી હોય તો દેશ અને સમાજ તરીકે આપણે ગંભીર વિચાર કરવો પડે. આ પ્રશ્નને માત્ર વ્યક્તિગત માનસિક આરોગ્યની સમસ્યામાં ખપાવી દેવાનું પૂરતું નથી. એનાં મૂળ સમજવા માટે મહિલાઓને રોજિંદા જીવનમાં ભોગવવા પડતાં સામાજિક અને આર્થિક દબાણોના ઊંડાણમાં જવું પડે.

સત્તાવાર આંકડાઓ આ બાબતમાં કેટલાક સંકેતો આપે છે. જે આપણા સમાજના આર્થિક-સામાજિક માળખામાં મહિલાઓના દરજ્જા તરફ આંગળી ચીંધે છે. ક્રાઈમ બ્યુરોના આંકડા પ્રમાણે કુલ આત્મહત્યાઓમાં લગભગ 14 ટકા કેસ ગૃહિણીઓના છે, જે મહિલાઓમાં થતી આત્મહત્યાઓનો અડધાથી પણ વધુ હિસ્સો છે, તો એનો અર્થ એ થયો કે ઘર અને કુટુંબ સ્ત્રીઓને હજુ પણ જરૂરી સલામતી પૂરી નથી પાડતાં. આ સમસ્યા નવી નથી. મહિલાઓમાં આત્મહત્યાનો ઈતિહાસ જોઈએ તો ભારતમાં ગૃહિણીઓનું પ્રમાણ  હંમેશા ઊંચું જ રહ્યું છે. નોંધાયેલાં મુખ્ય કારણોમાં કૌટુંબિક તણાવ મુખ્ય છે, જેમાં ઘરેલું હિંસા, દહેજને લઈને થતા કકળાટ, બાળક ન થવાને લીધે થતા તણાવ, લગ્નેતર સંબંધો, ઘરના કામને લઇને થતા વિખવાદ એવું ઘણું બધું આવી જાય. આ બધી પરિસ્થિતિમાં મોટા ભાગે મહિલાની હાલત નાજુક જ રહેતી હોય છે.

આ સાથે એ સમજવું પણ જરૂરી છે કે “ગૃહિણી” શબ્દ સામાન્ય લાગે છે, પરંતુ તેની પાછળની હકીકત ઘણી જ જટિલ છે. આ શ્રેણીમાં આવતી ઘણી મહિલાઓ દિવસના ઘણા કલાકો ઘરકામમાં ખર્ચે છે—રસોઈ, સફાઈ, બાળકોની સંભાળ અને વૃદ્ધોની સેવા જેવી જવાબદારીઓમાં. છતાં આ કામને આર્થિક પ્રવૃત્તિ તરીકે માન્યતા મળતી નથી. તે ન તો રોજગારના આંકડાઓમાં ગણાય છે, ન તો દેશના કુલ આર્થિક ઉત્પાદન (GDP)માં. પરિણામે મહિલાઓને આ કામ માટે કોઈ સ્વતંત્ર આવક કે આર્થિક સુરક્ષા મળતી નથી. નોકરી કરતી સ્ત્રીઓ માટે તો આ જવાબદારી કામનું ભારણ બેવડું કરે છે.  ભારતમાં થયેલા સમય-ઉપયોગ સર્વેક્ષણો બતાવે છે કે આ કામનો ભાર કેટલો અસમાન છે. સરેરાશ રીતે મહિલાઓ રોજના લગભગ પાંચ કલાક ઘરકામમાં વિતાવે છે, જ્યારે પુરુષો એક કલાકથી પણ ઓછો સમય આપે છે.

સ્ત્રીઓમાં વધી રહેલા શિક્ષણે મહિલાઓની પરાધીનતાના પ્રશ્નનો જરૂરી ઉપાય નથી આપ્યો, માત્ર એનો પ્રકાર બદલ્યો છે. પ્રાથમિક કક્ષાથી લઈને કોલેજ સુધી છોકરીઓની પ્રવેશ સંખ્યા વધી છે. શિક્ષણની સાથે વિચારવાની સ્વતંત્રતા આવે અને એ સાથે આકાંક્ષા પણ વધે. શિક્ષણના પ્રમાણમાં શ્રમબજારમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ ઓછી છે, પરિણામે આર્થિક સ્વતંત્રતા પણ નથી.

પતિની આવક પરની નિર્ભરતા મહિલાઓને નાજુક સ્થિતિમાં મૂકી શકે છે. પારિવારિક નિર્ણયોમાં એમની ભૂમિકા તો મર્યાદિત કરે જ છે પણ એ ઉપરાંત જો ઘરેલુ વિવાદ, માનસિક તણાવ, દહેજ સંબંધિત દબાણ કે ઘરેલું હિંસા જેવી પરિસ્થિતિ ઊભી થાય, તો ઘર છોડવું તેમના માટે શક્ય રહેતું નથી કારણ કે, આર્થિક રીતે સહારો લઇ શકે એવા વિકલ્પો એની પાસે હોતા નથી. જરા વિચાર કરો, શિક્ષણથી બંધાયેલો આત્મવિશ્વાસ, આ પરિસ્થિતિમાં કેવો ભાંગીને ચૂર થતો હશે. સતત આર્થિક અસુરક્ષા, સામાજિક દબાણમાંથી ઊભી થતી નિ:સહાયતા, માનસિક તણાવ અને ડિપ્રેશનના વધારે તો બીજું શું થાય?

 જો આ મૃત્યુને રોકવાં હોય તો ચર્ચા માત્ર વ્યક્તિગત સ્તરે નહીં પરંતુ સામાજિક સ્તરે પણ થવી જોઈએ. ઘરકામ અને સંભાળના કામને માન્યતા આપવી, મહિલાઓને રોજગાર અને આર્થિક સ્વતંત્રતા આપવી, ઘરેલુ હિંસા સામે મજબૂત સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવી અને માનસિક આરોગ્ય સેવાઓનો વિસ્તાર કરવો—આ બધું અત્યંત જરૂરી છે. આંકડા પાછળ એક જીવતી વાતો સત્તાવાર અહેવાલોમાં દેખાતી નથી, જે મહિલાઓ માટે જીવનને અસહ્ય બનાવી દઈ રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top