Dakshin Gujarat

ગોજારી ઘટના: સુએઝ લાઈનની સફાઈ કરવા ઉતારેલા 3 કામદારોના શ્વાસ ઘૂંટાતા મોત

સેલવાસ : સેલવાસ (selvas)ના ડોકમરડી આહીર ફળિયામાં સુએઝ લાઈન (suez line)ની સફાઈ કરવા અંદર ઉતારેલા 3 કામદારો (Worker)ના શ્વાસ ઘૂંટાતા મોત (death) થયા હતા. આ બનાવને પગલે પ્રશાસન દોડતું થયુ હતું. બનાવ સ્થળે કામદારો પાસે સેફ્ટી ઈક્વિપમેન્ટ (lack of safety equipment) નો અભાવ જોવા મળ્યો હતો.

બપોરે સેલવાસ ડોકમરડી આહીર ફળિયાની નવી સુએઝ લાઇનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. એ સમયે સુએઝ લાઇનની ચેમ્બર ખોલી કામદાર ઈશ્વરભાઇ (ઉ.25, રહે, દાહોદ) લગભગ 20 ફૂટ નીચે ગયો હતો. જ્યાં એને શ્વાસ લેવામાં તકલીફ થતા બુમ પાડી હતી. જેથી ઉપરની બાજુએ સાથી કામદાર પૈકી સુપરવાઈઝર તેમજ ઈશ્વરના બનેવી ધાર્મિકભાઇ (ઉ.24, રહે, અમરેલી) નીચે ઉતર્યા હતા. પણ તેઓના તરફથી કોઈ જવાબ નહીં મળતા એની પાછળ રાજુભાઇ (ઉ.35, રહે, દાહોદ) ઉતર્યો હતો. જેમાં ત્રણેયના મોત થઈ ગયા હતાં. ત્રણેયના મોત ચેમ્બરમાં બનેલા મિથેન ગેસના કારણે ગુંગળાઈ જવાથી થયા હોવાની સંભાવના જોવા મળી રહી છે.

ઘટનાની જાણ થતા કલેક્ટર સંદીપકુમાર સિંહ, આરડીસી અપૂર્વ શર્મા, પાલિકા સીઓ મોહિત મિશ્રા, પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજય દેસાઈ, ડોકમરડી વિસ્તારના પાલિકા સભ્ય સુમન પટેલ, મામલતદાર ટી.એસ. શર્મા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી, ફાયર વિભાગ તેમજ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી રેસ્ક્યૂ હાથ ધર્યુ હતું. રેસ્ક્યૂ દરમ્યાન ફાયર વિભાગના કર્મચારીએ પણ નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એને પણ ગેસની અસર થતા તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો. પાચ કલાકની જેહમત બાદ બે કામદાર અને સુપરવાઈઝર મળી ત્રણ વ્યક્તિઓની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ દુઃખદ ઘટના બનતા સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

નવી અને હાલની બંધ સુએઝ લાઇનનું ટેસ્ટિંગ કરાતા એક જ જગ્યાએ ગેસ મળ્યો

ડોકમરડી ગૌ શાળાથી લઈ આહીર ફળીયા સુધી આ ટેસ્ટિંગ કરાઇ રહ્યુ હતુ. કામદારોએ શરૂઆત ગૌ શાળા નજીકથી કરી હતી, લગભગ 300થી 400 મીટરમાં આવતા અનેક ચેમ્બરો ચેક કર્યા બાદ ચેકીંગ માટે નીકળેલી ટીમ આગળ વધી રહી હતી. દરેક જગ્યાએ ટીમ સફળતાપૂર્વક ચેક કરી આગળ વધી હતી. અને કોઈ પણ જગ્યાએ કામદારોને કોઈ તકલીફ પડી ન હતી. જે જગ્યાએ ઘટના બની એ જગ્યાએ નજીકમાં એક તબેલો છે. જ્યા ગાય, ભેંસ અને બકરા રાખવામાં આવે છે. ખોદકામ દરમ્યાન તબેલાનું પાણી જમીન માર્ગે ચેમ્બરમાં જતુ હોવાનું જાણવા મળ્યું છે. જેને કારણે મિથેન ગેસ બન્યો હોય અને કામદારોનું મોત થયુ હોવાનું જણાયું છે. જોકે પ્રશાસને ઘટના સ્થળની ચેમ્બરનું તેમજ અગાઉ ચેક કરવામાં આવેલી ચેમ્બરોના પાણીના સેમ્પલ લીધા છે. આ સુએઝ લાઈન નવી છે. હજુ આ નવી લાઈનમાં જોડાણ અપાયા નથી. હાલ ટેન્કર દ્વારા સાદું પાણી ચેમ્બરમાં ખાલી કરી લાઈનનું ચેકીંગ ચાલી રહ્યુ હતુ.

કોન્ટ્રાક્ટર અમદાવાદની એનપી પટેલ એજન્સી દ્વારા કામદારોની સુરક્ષા રખાઈ નહીં

સુએઝ લાઇનના ટેસ્ટિંગ અને જોડાણ માટે અમદાવાદની એન.પી. પટેલ એજન્સી કામ કરી રહી છે. અનુભવી એજન્સી હોય તો કામદારો માટે ઝેરી ગેસમાં ઉપયોગી માસ્ક કે બીજા સુરક્ષાના ઉપકરણો કામ કરતી વખતે સાથે રાખવા જરૂરી હોય છે. પણ અહીં આવા કોઈ ઉપકરણો જોવા મળ્યા ન હતા. હવે જોવાનું એ રહ્યુ કે 3 કામદારોના મોતની જવાબદારી કોના માથે નાખવામાં આવે છે.

Most Popular

To Top