સુરતમાં અચાનક હવામાનમાં ભારે ફેરફાર નોંધાયો છે, જ્યાં ભટાર સહિતના વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરમાં જોરદાર પવન ફૂંકાતા અનેક ઝાડ ધરાશાયી થયા અને ધૂળની ડમરીઓ ઊડીને વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. રસ્તાઓ પર વિઝિબલિટી ઓછી થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેરઠેર આંબાના મોર પણ ખરી પડ્યા હોવાના અહેલાલ સામે આવ્યા હતા. આકસ્મિક હવામાન ફેરફારના કારણે ઓફિસ સમય દરમિયાન ઘરે પરત ફરતા લોકો ટ્રાફિક અને અવ્યવસ્થાના કારણે અટવાઈ ગયા હતા. ચૈત્ર નવરાત્રિ અને ગુડી પાડવા નિમિત્તે આયોજિત ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં પણ વિક્ષેપ પડ્યો હતો. સાથે જ રમઝાન ઇદનો ચાંદ જોવા અગાશી પર ગયેલા લોકો પણ ઘેરા વાદળ અને ધૂળના કારણે ચાંદ જોઈ શક્યા ન હતા. અનેક જગ્યાએ છાપરાઓ ઊડી જવાના અહેલાલ પણ સામે આવ્યા હતા. ઘણી જગ્યાએ લાઇટ પણ જતી રહી છે. ભારે પવન ફૂંકાતા પળવારમાં તો સૂરતના રસ્તાઓ, શેરીઓ અને બજારોમાં અફરાતફરી મચી ગઈ હતી, અને ઠેરઠેર રસ્તાઓ વેરવિખેર નજરે ચઢી રહ્યા છે.
આ સિવાય બજાર વિસ્તારમાં પણ પવનના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં સ્ટોલ અને સામાન વિખેરાઈ ગયા હતા. હળવા વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ અચાનક બદલાયેલા હવામાનને કારણે લોકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આકસ્મિક પવન ફૂંકાવાને કારણે બેનરો અને હોર્ડિંગ્સ પડવાની શક્યતા વધી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ઝાડ અને થાંભલા નીચે પણ ઊભું રહેવું નહીં, અનિવાર્ય ન હોય તો બહાર જવાનું ટાળવું.