કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યા બાદ પરિસ્થિતિ માંડ શાંત પડી હતી ત્યાં હવે યુવાનોમાં હાર્ટ એટેક આવવાના અને તેનાથી મોત થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં આવા કેસ બન્યા હતા. તો સાથે સાથે રાજકોટ અને અન્ય શહેરોમાં પણ યુવાનો અચાનક હાર્ટ એટેક આવતાં મોતને ભેટવાની ઘટનાઓ બની હતી. ક્રિકેટ રમતા, ગરબા ગાતા, કસરત કરતાં કે પછી અન્ય કોઈ પ્રવૃત્તિ કરતાં કરતાં મોતને ભેટવાની ઘટનાઓ અંગે હાલમાં જ સંશોધન પણ કરાયું હતું. આવી રીતે મોતને ભેટેલાના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા તો તમામને હાર્ટ એટેક આવવાની સ્થિતિ સરખી જોવા મળી હતી. લોહીમાં ગાંઠ થઈ જવાને કારણે આ ઘટનાઓ બની હતી. એકસરખી રીતે હાર્ટ એટેક આવીને મોત થવાની ઘટનાને કારણે ચિંતાઓ વધી જવા પામી હતી. એવું મનાતું હતું કે કોરોનાને કારણે આ રીતે લોહીમાં ગાંઠ થવાની અને મોત થવાની ઘટનાઓ બની રહી છે પરંતુ હવે આ વાતને વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.
હાર્ટ એટેકની આ ઘટનાઓ માત્ર યુવાનો જ નહીં પરંતુ 40 વર્ષની આસપાસની વયના લોકોમાં પણ જોવા મળી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને પણ એવું કહ્યું છે કે, જે લોકો કોરોના સંક્રમિત થયા હોય તો તેવા લોકોમાં હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે. કોરોનાને કારણે હાર્ટ એટેકની સાથે સાથે ડાયાબિટીસ અને સ્ટ્રોકનું પણ જોખમ વધી ગયું છે. સૌમ્યા સ્વામીનાથને ત્યાં સુધી કહ્યું છે કે, કોરોનાની વેક્સિન લગાડવાથી પણ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જે લોકો કોરોનામાંથી સાજા થયા હોય તેમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય છે અને આવા સમયે હાર્ટ એટેક આવવાનું કે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
અનેક સંશોધનમાં એવા ખુલાસાઓ થઈ ચૂક્યા છે કે કોરોનાને કારણે ડાયાબિટીસના અનેક નવા દર્દીઓ ઉમેરાઈ ગયા છે. કોરોનાના કારણે હ્રદયના સ્નાયુમાં પણ સોજા થઈ ગયા છે. કોરોનાને કારણે જેમને હ્રદયરોગ નથી તેવા લોકોમાં પણ હ્રદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી ગયું છે. અચાનક હાર્ટ એટેક આવવા અને તેને કારણે મોત થવાની ઘટનાઓને સ્હેજેય હળવાશથી લેવાની જરૂર નથી. જે રીતે અચાનક હાર્ટ એટેક આવવા પાછળ કોરોનાને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે તે જોતાં જેમને કોરોના થઈ ગયો છે તે તમામે પોતાના હ્રદયની ચકાસણી કરાવી લેવાની જરૂરીયાત છે.
કોરોનાને કારણે લોહી ગંઠાય છે અને આ ગંઠાયેલા લોહીનો ટૂકડો જો હ્રદય કે માથામાં પહોંચે તો હાર્ટ એટેક કે બ્રેઈન સ્ટ્રોક આવવાની પૂરી સંભાવના છે. ઘણા એવા પણ કિસ્સા જોવા મળ્યા છે કે ઘણાની તંદુરસ્તી સારી હોય અને તેને જો કોરોના થયો હોય તો પણ તેની ખબર પડતી નથી અને બાદમાં આ જ કોરોનાને કારણે તેને હાર્ટ એટેક આવે છે. કોરોનાના જે દર્દીની પુરી સારવાર થઈ હોય, જેણે કોરોનાની સામેની દવાના તમામ કોર્સ પુરા કર્યા હોય તો તેવા દર્દીને હાર્ટ એટેક આવવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે.
આજ કારણે કોરોનામાંથી સાજા થઈ ગયા બાદ પણ તબીબો દ્વારા ચોક્કસ સમય સુધી લોહી પાતળું થવાની દવાઓ જે તે દર્દીને આપવામાં આવે છે. જો કે, ઘણી વ્યક્તિઓએ કોરોનામાંથી સાજા થઈ ગયા બાદ આવી દવાઓ લેવાની દરકાર રાખી નથી કે પછી કોરોના બાદ તબીબોને બતાવ્યું નથી. આવી વ્યક્તિઓમાં કોરોના બાદ હાર્ટ એટેક આવવાની સંભાવના અનેકગણી વધી જાય છે. કોરોનાની મહામારી બાદ હાલનો સમય એવો છે કે તમામે એક વખત તો પોતાના હ્રદયની તપાસ કરાવી જ લેવી જોઈએ કે જેથી કોઈપણ આવનારા જોખમને ટાળી શકાય. જો તેમ નહીં થાય તો અચાનક મૃત્યુ થવાની શક્યતા વધી જાય તે નક્કી છે.