World

સૂડાનની રાજધાની ખાર્તુમમાં અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળો વચ્ચે અથડામણ, 25નાં મોત

નવી દિલ્હી: સૂડાનની (Sudan) રાજધાની ખાર્તુમ સહિત દેશના અનેક ભાગોમાં મુખ્ય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જેમાં લગભગ 25 લોકોના મોત (Death) થયા છે. જ્યારે 183 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકવાની શકયાતા પણ વ્યકત કરવામાં આવી છે. દેશમાં બળવાની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે અર્ધલશ્કરી દળે રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરવાનો દાવો કર્યો છે. જાણકારી મુજબ લશ્કરી નેતા અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને તેના નંબર બે અર્ધલશ્કરી કમાન્ડર મોહમ્મદ હમદાન ડગલો વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષે હિંસક વળાંક લીધો છે.

સુદાનીસ ડોક્ટર્સ યુનિયને જણાવ્યું કે સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચેની લડાઈમાં 183 લોકો ઘાયલ થયા છે. ખાર્તુમની સાથે, ઓમદુરમન, ન્યાલા, અલ ઓબેદ અને અલ ફાશર શહેરોમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. તે જ સમયે, અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ એટલે કે આરએસએફએ રાષ્ટ્રપતિ મહેલ, આર્મી ચીફના નિવાસસ્થાન, રાજ્ય ટેલિવિઝન સ્ટેશન, રાજધાની ખાર્તુમ, ઉત્તરી શહેર મેરોવે, અલ ફાશર અને પશ્ચિમ ડાર્ફુરના એરપોર્ટને કબજે કરવાનો દાવો કર્યો છે. જો કે સેનાએ આ દાવાઓને ફગાવી દીધા છે.

સુદાનની એરફોર્સે શનિવારે મોડી રાત્રે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી હતી. તેમજ ખાર્તુમમાં શાળાઓ, બેંકો અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી હતી. રાજધાનીમાં ગોળીબાર અને વિસ્ફોટોના અવાજો હાલ પણ ગુંજી રહ્યા છે. સુડાનમાં ભારતીય મિશન વતી ત્યાં રહેતા ભારતીયોને અપીલ કરવામાં આવી છે કે તમામ લોકો તેમના ઘરોમાં જ રહે અને કામ વગર બહાર નીકળવાનું ટાળે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તોપો અને બખ્તરબંધ વાહનો રાજધાનીના રસ્તાઓ પર ફરી રહ્યાં છે. સેના અને આરએસએફ હથિયારો સાથે હેડક્વાર્ટરની નજીક તૈનાત થઈ ગયા છે. આર્મી ચીફ જનરલ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાને કહ્યું કે આરએસએફને પીછેહઠ કરવી જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે અમને લાગે છે કે જો તેઓ સમજદાર હોય તો તેમણે ખાર્તુમ આવીને અહીંથી તેઓનાં સૈનિકોની ટુકડીને લઈ જવી જોઈએ. પરંતુ જો RSF આવું નહીં કરે તો ખાર્તુમમાં સેના તૈનાત કરવી પડશે.

Most Popular

To Top