સુરત (Surat): સરકાર દ્વારા ટેબલેટ (Tablet) પાછળ છેલ્લા ત્રણ વર્ષમાં 500 કરોડ કરતાં પણ વધુ ખર્ચની બજેટમાં (Budget) જાહેરાત કરવામાં આવી હતી. નમો ટેબલેટ યોજના અંતર્ગત ઘણા કોલેજના પહેલા વર્ષના વિદ્યાર્થીઓએ (Students) નોંધણી કરાવી હતી. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ એક હજાર રૂપિયા યુનિવર્સિટી ખાતે જમા કરાવી તેના માટે નોંધણી કરાવી હતી. છતાં હજુ સુધી છેલ્લા ત્રણ વર્ષના વિદ્યાર્થીઓને આ ટેબલેટ આપવામાં આવ્યા નથી. સુરતના 72 હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નથી. વિદ્યાર્થીઓ પાસેથી આ યોજના માટે જમા કરવામાં આવેલા આ રૂપિયા ક્યાં છે, તેનો ઉપયોગ થયો કે નહીં? આ બધી બાબતે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીને (University) સવાલ પુછવા છતાં તેમની તરફથી કોઈ પણ પ્રકારના જવાબ આપવામાં આવી રહ્યો નથી. તો પછી સરકારે (Government) આ રકમનું શું કર્યું? કેમ હજુ સુધી પણ વિદ્યાર્થી આ યોજનાનો લાભ અપાઈ રહ્યો નથી તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, નમો ટેબલેટ માટે અનેક વખત સુરતના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પાસે જઈને ટેબલેટના રૂપિયા લઇ લીધા હોવા છતાં પણ તેમને ટેબલેટ ન મળ્યાના મામલે રજૂઆત પણ કરી હતી. છતાં પણ યુનિવર્સિટી આ મામલે મૂંગી બની જાય છે અને તેમના તરફથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. આ રૂપિયાનો સરકારે કયાં ઉપયોગ કર્યો તે અંગે કોઈ પણ ખુલાસો થયો નથી. રાજ્ય સરકારે નમો ટેબલેટ યોજનાની જાહેરાતો બધે ખૂબ મોટા પાયે કરી હતી. પરંતુ આ જાહેરાત કરવાનો ફાયદો શું? વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારનું આ યોજના ઉપરનું કામ માત્ર કાગળ પૂરતું જ છે. તે યોજનાનો ઉપયોગ વાસ્તવમાં તો હજુ સુધી થયો જ નથી.
આ અંગે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ફરિયાદ નોધવામાં આવી છે. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ગુજરાત ઉપપ્રમુખ દર્શિત કોરાટના જણાવ્યા અનુસાર, તેઓ ઉમરા પોલીસ સ્ટેશનમાં સરકાર વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં સરકાર વિરુદ્ધની ફરિયાદ પર અરજી આપવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે જો 24 કલાકમાં આ ફરિયાદ નોંધવામાં નહિં આવે તો પોલીસ કમિશનર કચેરીના દરવાજા સામે અન્ન અને જળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેસી જશે. તેમણે જણાવ્યું કે યુવા છાત્ર સંઘર્ષ સમિતિના નેતૃત્વ હેઠળ રાજ્યભરના વિદ્યાર્થીઓ સરકાર વિરુદ્ધ ફરિયાદ લખવાની શરૂ કરશે.