SURAT

પાલિકા ની આળસ નો વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યાં છે, વેલંજામાં નવી શાળા તૈયાર છતાં લોકાર્પણ અટવાયું

સુરત પાલિકાની ચૂંટણી પહેલા અનેક પ્રોજેક્ટના ધડાધડ લોકાર્પણ થઈ રહ્યા છે, પરંતુ વરાછા ઝોનના વેલંજા વિસ્તારમાં એક એવો પ્રોજેક્ટ છે,જેનું મકાન તૈયાર હોવા છતાં દરવાજા હજુ સુધી વિદ્યાર્થીઓ માટે ખુલ્યા નથી. કારણ? પાલિકા ના અધિકારીઓ, જેઓ એસી કેબીન માં બેસી આરામ કરી રહ્યા છે,સુરત ના વેલંજા વિસ્તારમાં પાલિકા દ્વારા પ્રાથમિક શાળાનું નવું મકાન મહિનાોથી તૈયાર છે. એક-બે નહીં, પરંતુ ત્રણ-ત્રણ વખત લોકાર્પણની તારીખો જાહેર થઈ ચૂકી છે. શાળાના શિક્ષકોએ દર વખત સફાઈથી લઈને તમામ તૈયારીઓ કરી દીધી,પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમ મુલતવી રહી ગયો.પરિણામે, નવા ચમકતા મકાનના બદલે વિદ્યાર્થીઓ આજે પણ જૂના અને જર્જરિત પતરા વાળા મકાનમાં અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે

આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના વર્ગો ચાલે છે. કુલ ૧૦૩૬ જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. ઓરડાઓની અછતને કારણે શાળા બે પાળીમાં ચલાવવાની ફરજ પડી રહી છે. સવારે ધોરણ ૬ થી ૮ના ૩૯૭ વિદ્યાર્થીઓ અને બપોરે ધોરણ ૧ થી ૫ના ૬૩૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શાળાના વિદ્યાર્થીઓ હોવા છતાં પૂરતા વર્ગખંડ ન હોવાથી ગીચોગીચ બેસવા તેઓ મજબુર બન્યા છે,હાલ પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે. છતાં વિદ્યાર્થીઓને ક્યારેક લોબીમાં તો ક્યારેક સંકુચિત ઓરડામાં ભર શિયાળે જમીન પર બેસાડવામાં આવી રહ્યા છે. શિક્ષકો માટે પણ પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ છે. નવું મકાન તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ ન થઈ શકવો એ વાલીઓ અને સ્થાનિકો માટે પ્રશ્નચિહ્ન બની ગયો છે.

આ મુદ્દે શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હીરપરાએ આક્ષેપ કર્યો છે કે શાસકોને ઉદ્ઘાટનની ભૂખ તો છે, પરંતુ શાળાના લોકાર્પણ માટે યોગ્ય નેતા મળતા નથી. તેમના મુજબ, શાસકો માનવતા ભૂલી ગયા છે અને તેનો ભોગ નિર્દોષ ગરીબ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.વિપક્ષે એ પણ માંગ ઉઠાવી છે કે છેલ્લા ચારથી પાંચ મહિનાથી મકાન તૈયાર હોવા છતાં માત્ર લોકાર્પણના રાજકારણમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી સહન કરવી પડી રહી છે. વિદ્યાર્થીઓ પર દયા દાખવીને પ્રસિદ્ધિ ભલે મેળવો, પરંતુ નવી શાળામાં જલ્દીથી અભ્યાસ શરૂ થાય તે માટે તાત્કાલિક પગલાં લો.બીજી બાજુ વેલંજા વિસ્તારના વાલીઓ અને વિદ્યાર્થીઓ હવે આશા રાખી રહ્યા છે કે નવી શાળાના દરવાજા વહેલી તકે ખુલે અને તેઓને યોગ્ય માહોલમાં શિક્ષણ મળી શકે.હવે નજર શાસકો પર છે , તેઓ લોકાર્પણની રાહ જોતાં રહેશે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને પ્રાથમિકતા આપશે?

Most Popular

To Top