સુરત : અન્ય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (Student) શૈક્ષણિક વર્ષ 2022-23ના દ્વિતીય સત્રથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પ્રવેશ (Entry) મેળવી શકશે. તેના માટે વિદ્યાર્થીઓએ આગામી 30 નવેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
- અગાઉની યુનિવર્સિટીમાંથી મેળવેલા ક્રેડિટના આધાર પર વિદ્યાર્થીઓને ટ્રાન્સફર આપવામાં આવશે
- ટ્રાન્સફર મેળવવામાં ક્રેડિટ ઘટતી હશે તો એ ખૂટતી ક્રેડિટ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બુધવારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની માન્યતા મેળવનારી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે. અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસમાં સેમેસ્ટર બે, ચાર, છ, આઠ અને દસ માટે ટ્રાન્સફર મેળવી શકાશે. જે માટે વિદ્યાર્થીઓએ આગામી 30 નવેમ્બર, 2022 સુધીમાં લેખિતમાં અરજી કરવાની રહેશે. અંડર ગ્રેજ્યુએટમાં પ્રવેશ માટે યુનિવર્સિટીના એકેડેમિક વિભાગમાં રૂમ નંબર-133માં અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશ માટે એકેડેમિક વિભાગના રૂમ નંબર-135માં અરજી કરવાની રહેશે. વિદ્યાર્થીઓને પસંદગીના આધાર પર ખાલી બેઠકો પર ટ્રાન્સફર અપાશે. અગાઉની યુનિવર્સિટીમાંથી મેળવેલા ક્રેડિટના આધાર પર ટ્રાન્સફર આપવામાં આવશે. વિદ્યાર્થીને ટ્રાન્સફર મેળવવામાં ક્રેડિટ ઘટતી હશે તો એ ખૂટતી ક્રેડિટ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે.
બીસીએ વિન્ટર સેશનમાં એક પણ પ્રવેશ ફોર્મ નહીં આવતા તારીખ લંબાવાઇ
યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2022-23ના બીસીએ વિન્ટર સેશનમાં પ્રવેશ માટે છેલ્લી તારીખ પહેલી ઓક્ટોબર હતી. પણ એક પણ પ્રવેશ ફોર્મ નહીં ભરતા યુનિવર્સિટીએ ફરીથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી છે. જે મુજબ વિદ્યાર્થી 23 નવેમ્બર, 2022 સુધી અરજી કરી શકશે. ધોરણ-12ની પૂરક પરીક્ષામાં પાસ થયા હોય કે પહેલા તબક્કામાં પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. યુનિવર્સિટીની પ્રો.વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અમરોલી કોલેજમાં પહેલા વર્ષમાં બીસીએ વિન્ટર સેશનની 75 બેઠક છે.