ઘેજ: ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-૧૦ માં અભ્યાસ (Study) કરતો વિદ્યાર્થી (Student) ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ વિદ્યાર્થીની સાયકલ મામલતદાર કચેરીના મુખ્ય દરવજા પાસેથી મળી આવી હતી.
પોલીસ મથકેથી (Police Station) પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી નઇમખાન નુરખાન પઠાણ (રહે. નીશા કોમ્પલેક્ષ દભાડ મહોલ્લો ચીખલી તા. ચીખલી) નો દીકરો નવાઝખાન પઠાણ (ઉ.વ. ૧૪ વર્ષ – ૭ માસ) કે જે ઇટાલિયા હાઇસ્કુલમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરે છે.
આ વિદ્યાર્થીની માતા હાઇસ્કૂલમાં કલાસ ટીચરને મળવા જતા તેમનો છોકરો બે દિવસથી શાળામાં ન જતો હોવાનું માલૂમ પડયુ હતું. નવાઝખાન સવારે રાબેતા મુજબ યુનિફોર્મ પહેરીને શાળાએ જવા નીકળી જતો હતો. આ દરમ્યાન મંગળવારના રોજ પરિવારજનોએ શાળાએ ન જવાનું કારણ પૂછતા મિત્રના ઘરે ગયેલો હોવાનું જણાવ્યુ હતુ અને તેને શાળાએ જવા સમજાવતા બુધવારના રોજ પણ યુનિફોર્મ પહેરી દસેક વાગ્યાના અરસામાં સાયકલ પર શાળાએ જવા નીકળી ગયો હતો અને નોટબુક લેવા માટે માતા પાસેથી ૧૦૦ રૂપિયા અને મોબાઇલ ફોન પણ લઇ ગયો હતો.
આ દરમ્યાન અગિયારેક વાગ્યે કલાસ ટીચરે ફોન કરીને જણાવ્યું હતું કે તમારો દીકરો આજે પણ સ્કૂલ આવ્યો નથી ત્યારબાદ શોધખોળ હાથ ધરતા સમરોલી વિજયનગર પાસે ફરતો હોવાનું જાણવા મળતા ત્યાં પણ મળી આવેલ નહિ. જો કે તેની સાયકલ વિજયનગરની બાજુમાં મામલતદાર કચેરીના દરવાજા પાસેથી મળી આવી હતી.
નવાઝખાન તેની સ્કૂલ બેગમાં એક જોડી કપડા પણ લઇ ગયો હતો. અને તેણે યુનિફોર્મના કપડા બદલી નાંખી બેગમાંના મહેંદી જેવા રંગનો આખીબાંયનો શર્ટ અને ગ્રે રંગનો જીન્સ પેન્ટ પહેર્યો હતો તે ગુજરાતી અને હિન્દી ભાષા જાણતો હોવા સાથે રંગે ઘઉંવર્ણ અને પાતળો બાંધાનો છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ પીએસઆઇ શકુંતલાબેન માલે હાથ ધરી હતી.